ગ્રીનવિલેઃ અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પટેલ પરિવારની ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં છે જ્યારે એક મહિલાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અકસ્માતનો ભોગ બનેલી ત્રણેય મહિલાઓ રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલ એક જ પરિવારનાં હતાં.
કાર 20 ફૂટ ઉંચે ફંગોળાઈ
જ્યોર્જિયામાં રહેતી ચારેય મહિલાઓ આઉટિંગ માટે સાઉથ કેરોલિના જતી હતી ત્યારે લેકસાઈડ રોડ નજીક ઈન્ટરસ્ટેટ-85 પર સ્ટૌન્ટન બ્રિજ રોડ પર તેમની એસયુવીનો ગંભીર અકસ્માત થયો હતો. સ્થાનિક તંત્ર મુજબ ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હતો. મૂળ આણંદ જિલ્લાની વતની આ મહિલાઓ 26 એપ્રિલે બપોરે સાઉથ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં ઈન્ટરસ્ટેટ-85ની ઉત્તર તરફ જતી લેન પર એસયુવીમાં જઈ રહી હતી ત્યારે ઓવર સ્પીડના કારણે કાર નિયંત્રણ બહાર થઈ જતાં 4થી 6 લેન ક્રોસ કરીને 20 ફૂટ ઊંચે ફંગોળાઈ વૃક્ષો પર પડી હતી, જેને પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો તેમ સાઉથ કેરોલિના હાઈવે પેટ્રોલ ટ્રૂપર્સે જણાવ્યું હતું.
ભોગ બનનારામાં દેરાણી-જેઠાણી
ગુજરાતમાં બોરસદ તાલુકાના વાસણા (બોરસદ) તથા કાવીઠા ગામનાં વતની રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ જ્યોર્જિયા ખાતે રહેતાં હતાં અને તેઓ સંબંધી હતાં. રેખાબેન અને સંગીતાબેનના પતિઓ દિલીપભાઇ અને ભાવેશભાઇ પટેલ સગા ભાઈઓ છે જ્યારે મનીષાબેનના પતિ રાજેન્દ્રભાઈ તેમના પિતરાઈ છે. તેમના મૃત્યુના સમાચારથી વતનમાં શોકની લાગણી ફેલાઈ છે.
સંગીતાબેનના પિતા વિઠ્ઠલભાઈ સિવાય પરિવારના બધા જ સભ્યો સાડા ત્રણ દાયકા પહેલાં અમેરિકા જઇને સ્થાયી થઈ ગયા હતા. વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે, સંગીતા અમેરિકા ગયા પછી 20 વર્ષમાં ક્યારેય ભારત પરત ફરી નથી જ્યારે તેનો પુત્ર થોડાક મહિના પહેલાં ભારત આવ્યો હતો. વાસણા (બોરસદ)ના નિવાસી નિરંજન પટેલે કહ્યું હતું કે, ત્રણેય મહિલાના ગામમાં શોકસભાનું આયોજન કરાયું હતું.
કાર ઓવરસ્પીડ હતીઃ ડેપ્યુટી કોરોનર
કાર દુર્ઘટના અંગે ડેપ્યુટી કોરોનર એલિસે કહ્યું કે, મહિલાઓ પ્રવાસ કરતી હતી તે કાર ઓવરસ્પીડ હતી અને તે રસ્તાની ડાબી બાજુએથી ફંગોળાઈને ચાર લેનનો ટ્રાફિક કુદાવી 20 ફૂટ ઊંચે ઊછળી કેટલાક વૃક્ષો સાથે ટકરાઈ હતી અને તેમાં ફસાઈ ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા સાઉથ કેરોલિના હાઈવે પેટ્રોલિંગ, ગેન્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ સહિત ઈમર્જન્સી ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ વૃક્ષો પરથી કારને ઉતારવામાં આવી હતી. આ અકસ્માતમાં અન્ય કોઈ કાર સામેલ નહોતી તેમજ અન્ય કોઈ રાહદારીને પણ ઈજા થઈ નથી.