જંબુસરઃ સાઉદી અરેબિયાના તાબુકમાં આવેલી ‘જે એન્ડ પી લિ.’ કંપનીમાં રોજગારી મેળવવા ગયેલા યુવક સહિત કુલ ૨૦૦ ભારતીય યુવાનો કંપનીના કેમ્પમાં ફસાયા હોવાના અહેવાલ છે. જંબુસર તાલુકાના સારોદ ગામના વતની અને હાલ આમોદમાં સ્થાયી થયેલા પરિવારના યુવક સહિતના લોકોએ સાઉદીની કંપનીના કેમ્પમાંથી મુક્ત થવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સમક્ષ ટ્વિટરથી વિનંતી કર્યાના સમાચાર છે.
જંબુસર તાલુકાના સારોદ ગામના વતની અને હાલ આમોદમાં રહેતા નગીન ભોયલા માછી સાઉદી અરેબિયાના તાબુકમાં આવેલી ‘જે એન્ડ પી લિમિટેડ’ કંપનીમાં રોજગારી અર્થે જોડાયા હતા. નગીનભાઈની જંબુસરમાં રહેતા પ્રતીકભાઇ સાથે મોબાઇલ ઉપર વાતચીત થઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ૨૦૧૫માં આ કંપનીમાં જોડાયા હતા.
એ પછી તેઓ રિયાધમાં કામે જોડાયા હતા. એ પછી એક વર્ષ પછી આ જ કંપનીએ નગીનને તાબુક મોકલ્યા હતા. તાબુકમાં નગીને ‘જે એન્ડ પી’ કંપનીમાં કામ કર્યા પછી ૧૬ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ કંપનીમાં રાજીનામું આપ્યું હતું અને તેમને એપ્રિલની ૮મી તારીખે રવાના થવાનું હતું, પરંતુ કંપનીએ તેમને ભારત પરત મોકલવાની જગ્યાએ કેમ્પમાં જ રાખ્યા હતા. વર્ક પરમીટ તથા વિઝા પણ પૂર્ણ થઇ જતાં નગીનભાઈની સ્થિતિ આઠ માસથી કફોડી બની ગઈ છે. નગીનભાઈની જેમ ૨૦૦ લોકો પણ જરૂરી દસ્તાવેજના અભાવે ફસાયેલા છે એવું નગીનભાઈએ ફોનમાં જણાવતાં કહ્યું કે, ફસાયેલા લોકોથી કંપની બહાર પણ જવાતું નથી.
જુદા જુદા કેમ્પમાં ૪,૦૦૦ ફસાયા
નગીનભાઈએ જણાવ્યું કે, ‘જે એન્ડ પી (સાઉદી અરેપિયા) લિ.’ કંપનીની સાઇટ જુદા જુદા ૧૪થી ૧૫ જેટલા વિસ્તારોમાં આવેલી છે. સાઉદીના તાબુક, રિયાધ, જીદ્દા, દમામ, યમ્બો, તાઇફ, અલકસીમ વગેરે શહેરોમાં સાઇટ ધરાવતી આ કંપનીમાં કામ કરતા ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરલા, મદ્રાસ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોના આશરે ૪૦૦૦ ભારતીયો કંપનીના જુદા જુદા કેમ્પોમાં ફસાયા છે. નગીનભાઈએ જણાવ્યું કે, કંપનીએ છેલ્લા છ માસથી પણ વધુ સમયથી તેમને પગાર આપ્યો નથી. અન્યોનાં મેડિકલ કાર્ડ, વર્ક પરમિટ તથા વિઝા પણ પૂરા થઇ ગયા છે અને કંઇ પણ થાય તો તેની જવાબદારી પણ કોઇ લેનાર નથી.