વડોદરાઃ ૨૨મી ડિસેમ્બરે વડોદરામાં યોજાયેલા વિદ્યાર્થી સાંસદ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા ૨૦૦૦થી વધુ યુવા વિદ્યાર્થીઓએ દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમા આવેલા વિદ્વાન અને નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ખાસ તો સિટિઝન એમેડમેન્ટ એક્ટ (સીએએ) અને નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન (એનઆરસી) ચર્ચા થઇ હતી.
આ કાર્યક્રમમાં આવેલા ઉત્તર પ્રદેશના અમરોહા સ્થિત મુસ્લિમ શિયા ધર્મગુરુ મૌલાના કલબે રશિદ રિઝવીએ સીએએ અને એનઆરસી અંગે કહ્યું હતું કે, કાયદો બનાવવો એ સરકારનો વિષય છે તેમાં પ્રજાએ સામાન્ય રીતે દખલ કરવી જોઇએ નહીં માટે સીએએ અને એનઆરસીનો જે વિરોધ થઇ રહ્યો છે તે તદ્દન ખોટો છે. બીજી તરફ લોકોમાં ગેરસમજ ઉભી થવાનું કારણ એ છે કે સરકારે કાયદા અંગે સ્પષ્ટતા જ નથી કરી. મે સીએએનો જેટલો અભ્યાસ કર્યો તે પ્રમાણે એટલું કહી શકું કે આ કાયદામાં સુધારાની જરૂર છે. મને એનઆરસી અંગે એટલી જ સમજ પડે કે સરકાર પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટને પણ માન્ય પુરાવો નથી ગણતી તો પછી આ દેશનો નાગરિક ક્યા પ્રકારના પુરાવા આપે? એ સરકારે સ્પષ્ટ કરવું જરૂરી છે.