આણંદ: વિદ્યાનગરના ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ની ૨૧મી ફેબ્રુઆરીએ ચેરમેન પદ અને ઉપપ્રમુખપદ માટે ન્યૂ વલ્લભ વિદ્યાનગરમાં આવેલી એડીઆઈટી કોલેજમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં છેલ્લા ૨૪ વર્ષથી વિદ્યાંડળના ચેરમેન રહેલા સી એલ પટેલની હાર થઈ હતી અને ચેરમેન તરીકે ભીખુભાઈ પટેલને જીત મળી હતી. આ સંસ્થાના વાઈસ ચેરમેનપદે મનીષકુમાર પટેલ નિમાયા હતા.
૪૨ શાળા-કોલેજો ધરાવતી આ વિદ્યાસંસ્થામાં હાલમાં ૩૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વખતે ચેરમેન પદ માટે ડો. સી. એલ. પટેલ અને ભીખુભાઈ પટેલે દાવેદારી નોંધાવી હતી જ્યારે વાઈસ ચેરમેન પદ માટે હસમુખભાઈ પટેલ અને મનીષભાઈ પટેલે ઝંપલાવ્યું હતું. જોકે, ચૂંટણીમાં કુલ ૬૭૦૯ મતદારોમાંથી ૨૦૪૩ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ૭૫ મત રદ થયા હતા.
આ ચૂંટણીમાં ભીખુભાઈ પટેલને ૧૨૦૦ મત અને ડો. સી. એલ. પટેલને ૭૬૮ મત મળ્યા હતા. વર્તમાન વાઈસ ચેરમેન હસમુખભાઈ પટેલને આ વખતે ૬૬૯ અને મનીષભાઈને ૧૨૯૯ મત મળ્યા હતા. ચૂંટણી બાદ ભીખુભાઈ પટેલે કહ્યું કે, તેઓ ડો. એચ. એમ. પટેલ, ડો. સી. એલ. પટેલની વિચારધારાને જ અનુસરશે. ભીખુભાઈએ આ પ્રસંગે રૂ. એક કરોડનું દાન પણ જાહેર કર્યું હતું. નોંધનીય છે કે, ૨૦૦૯માં ભીખુભાઈ પટેલ અને ડો. સી. એલ. પટેલ વચ્ચેના જંગમાં ભીખુભાઈ પટેલ સાત મતે હાર્યા હતા.