કેવડિયા: ગુજરાતમાં કોરોનાએ બે લાખ કોરોના કેસનો આંક પાર કરી દીધો છે. સંક્રમણના આ ચિંતાજનક આંકડા વચ્ચે કેવડિયામાં દેશભરના વિધાનસભા અધ્યક્ષોની કોન્ફરન્સનો બુધવારે આરંભ થયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ગળા પર માસ્ક પહેરી લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે ફોટોસેશન કરાવનારા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ આવતા હોબાળો મચી ગયો છે. વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ અને સીમા મોહિલે પણ આ કાર્યક્રમમાં માસ્ક વિના દેખાયાં હતાં.
આશ્ચર્યની વાત એ છે કે, આ કોન્ફરન્સમાં આવનારા તમામને ટેસ્ટ કરીને જ હાજર રહેવાની સૂચના અપાઇ હતા. આમ છતાં, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ટેસ્ટ કરાવ્યા વગર ત્યાં પહોંચી ગયા હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
માસ્ક વગર ફરતાં લોકો પાસે રૂ. એક હજારનો દંડ ઉધરાવતી સરકાર આ નેતાઓ પાસેથી દંડ વસૂલીને દાખલો બેસાડશે કે નહીં? અગાઉ કેવડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે ૧૬ હજારના કોરોના ટેસ્ટ કરાવાયા હતા, જેમાં ફક્ત ૨૫ પોઝિટિવ આવ્યા હતાં. એ જ રીતે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાર્યક્રમના પગલે બે દિવસમાં તંત્ર દ્વારા ૧૩૦૦ લોકોના ટેસ્ટ કરાયા હતા. આશ્ચર્ય એ છે કે, તકેદારી રૂપે ટેસ્ટ કરાયા, તો મંચ પર હાજર અગ્રણીઓના ટેસ્ટ કેમ નહોતા કરાયા? આ ઘટનાની સાંસદ મિતેષ પટેલે સોશિયલ મીડિયામાં ટીકા કરી હતી.