હાલોલઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જન્માષ્ટમી અને નોમના બે દિવસ દરમિયાન ત્રણ લાખ માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ વર્ષે પ્રથમ વખત પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તોએ માતાજીના દર્શન સાથે સાથે મંદિર પરિસરમાં મટકીફોડનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. શનિવારે પણ પાવાગઢ તરફ હજારોની સંખ્યામાં માઈભક્તો જતા જોવા મળ્યા હતા. ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા તળેટી ખાતે ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે હાલોલ તરફથી પાવાગઢ તરફ આવતા વાહનોને ટીંબી પાટિયાથી ડાઇવર્ટ કરી વડાતળાવ થઈ પાવાગઢ આવવા દેવામાં આવતા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે 6 કલાકે ભક્તોના દર્શનાર્થે ખૂલ્લા મૂકવામાં આવ્યા હતા. જ્યારે નિજ મંદિરના દ્વાર ખૂલતાં જ જય માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.