સુરત-ભાવનગર વચ્ચે ફ્લાઈટ શરૂઃ

Monday 15th December 2014 08:01 EST
 

સુરતને હવે ‘સોલાર સિટી’નું બિરુદઃ ટેક્સ્ટાઈલ સિટી, ડાયમંડ સિટી, સિલ્ક સિટી જેવાં કોમર્શિયલ ઉપનામ ધરાવતા સુરત શહેરને વધુ એક બિરુદ મળ્યું છે. ભારત સરકારે સુરતને સોલાર સિટી જાહેર કર્યું છે. કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે ‘ડેવલપમેન્ટ ઓફ સોલાર સિટીસ’ પ્રોગ્રામ જાહેર કર્યો છે. જેનો મુખ્ય હેતુ વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં ઊર્જાના વપરાશની કાર્યક્ષમતા વધારવા તથા અક્ષય ઊર્જા ઉત્પાદન દ્વારા વિવિધ ચાર ક્ષેત્રે પરંપરાગત ઊર્જાનો વપરાશ ૧૦ ટકા સુધી ઘટાડવા પ્રયત્નો હાથ ધરાશે. આ પ્રોગ્રામ અંતર્ગંત સુરતનો પણ સમાવેશ થયો છે.

આણંદના કોર્પોરેટર ‘દાદા’નું નિધનઃ આણંદમાં ‘દાદા’ના હુલામણા નામથી જાણીતા અને શહેરના હિતરક્ષક વરિષ્ઠ નગરસેવક ઘનશ્યામભાઈ રાવજીભાઈ પટેલ (જી. આર.)નું ૬૫ વર્ષની વયે ગત સપ્તાહે નિધન થયું હતું. આણંદના હિત માટે સતત સક્રિય જી. આર. પટેલે ૧૯૭૯થી આણંદના રાજકારણમાં પદાર્પણ કર્યું હતું. ૩૫ વર્ષના જાહેરજીવનમાં એક અપવાદને બાદ કરતાં સતત છ વખત આણંદ નગરપાલિકાના સભ્યપદે ચૂંટાઈને લોકપ્રિયતા સિદ્ધ કરી બતાવી હતી. આણંદના વિદ્યાનગર રોડ, ટાઉનહોલ વિસ્તારને જોડતા વોર્ડમાં તેમનો ભારે દબદબો હતો.

ઉમરેઠમાં ‘ભાઇશ્રી’ની ભાગવત સપ્તાહઃ ઉમરેઠના સંતરામ મંદિરના ૧૫૪મા વાર્ષિકોત્સવ તથા બ્રહ્મલીન પ.પૂ. નારાયણદાસ મહારાજની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે સંતરામધામ ખાતે ૨૬ ડિસેમ્બરથી ભાગવત સપ્તાહ યોજાશે. વ્યાસપીઠ ઉપરથી પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) કથાનું રસપાન કરાવશે. ૨૬ ડિસેમ્બરે ભવ્ય પોથીયાત્રા મંદિરેથી નીકળીને કથાસ્થળે જશે. કથાના મુખ્ય યજમાન પદે દેવાંગભાઈ આર. પટેલ (ઇપ્કોવાળા) છે.

હીરા વેપારીઓ રશિયા પાસેથી ‘રફ’ ખરીદશેઃ રફ ડાયમંડનાં ઉત્પાદન સાથે સંકળાયેલી રશિયાની અલરોસા કંપની ભારતની ૧૨ ડાયમંડ કંપનીઓને સીધા જ રફ ડાયમંડ પૂરા પાડશે. ગત સપ્તાહે બે દિવસ માટે દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયામાં અલરોસાએ ૨૦૧૫થી ત્રણ વર્ષ માટે રફ ડાયમંડનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા કંપની સાથે કરાર કર્યા હતા. આ ગાળામાં કંપની સુરત-મુંબઇ સહિત દેશની ૧૨ કંપનીઓને રૂ. ૧૩ હજાર કરોડના રફ ડાયમંડ આપશે.

ખમણવાળાને ત્યાંથી રૂ. બે કરોડનું કાળું નાણું મળ્યુંઃ ઇન્કમટેક્ષ વિભાગે ગત સપ્તાહે નવસારીમાં અનાજ-કરિયાણાનાં વેપારી અને બીલીમોરા-ચીખલીમાં જલારામ ખમણવાળાને ત્યાં હાથ ધરેલા સર્વેમાં કુલ રૂ. ૩. ૪૫ કરોડનું કાળું નાણું પકડ્યું હતું. નવસારીમાં જથ્થાબંધ અનાજ-કરિયાણાનાં વેપારી મગનલાલ લલ્લુમલનાં ત્યાં સર્વે હાથ ધર્યો હતો અને ત્યાંથી રૂ. ૧.૪૫ કરોડની બેનામી આવક શોધી હતી. જ્યારે ચીખલી અને બીલીમોરામાં જય જલારામ ખમણ હાઉસને ત્યાં સર્વેમાં કુલ રૂ. બે કરોડની બેનામી આવક મળી હતી. આ ઉપરાંત વલસાડની ત્રણ હોસ્પિટલ-ક્લિનિકનું રૂ. ૩.૪૫ કરોડનું કાળું નાણું મળ્યું છે. જેમાં અમિત હોસ્પિટલનું અંદાજે રૂ. બે કરોડનું, સંજીવની હોસ્પિટલનું રૂ. ૭૫ લાખ, ડો. અંજના ટંડેલનું રૂ. ૪૫ લાખ અને ચિન્મય હોસ્પિટલનું રૂ. ૨૫ લાખનું કાળું નાણું બહાર આવ્યું હોવાની વિગતો મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter