ગત સપ્તાહે રેલવે સ્ટેશન ખાતે નવી ટેકનોલોજી સાથે સુવિધાજનક બિલ્ડિંગ ઊભી કરી આયોજનબધ્ધ વિકાસ કરવા કેન્દ્રીય રેલવે મંત્રાલય સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આર્કિટેક્ટ સંજય જોશી દ્વારા તૈયાર કરાયેલું આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ મંત્રાલયે ‘ફાસ્ટ ટ્રેક’ પ્રોજેક્ટ તરીકે આગળ વધવા આ દિશામાં પાલિકાને મંજૂરી આપી છે. કામગીરી શરૂ થયા પછી ચાર વર્ષમાં જ અંદાજે રૂ. ત્રણ હજાર કરોડના ખર્ચે સુરત સ્ટેશનનું આખું સ્વરૂપ બદલાઇ જશે એવો વિશ્વાસ પાલિકાના સત્તાધિશો એ વ્યક્ત કર્યો છે.
આ પ્રેઝન્ટેશનની નોંધ વડા પ્રધાન કચેરી દ્વારા પણ લેવાઇ છે, તેમ મેયર નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું. ચાર માસથી પાલિકા દ્વારા થયેલી મહેનતને અંતે લોકભાગીદારીના ધોરણે દેશમાં વિકસનારા રેલવે સ્ટેશનોમાં શરૂઆત સુરતથી થશે તેમ સાંસદ દર્શના જરદોશે જણાવ્યું હતું.