અમદાવાદ: કોરોના સંક્રમણને રોકવામાં અપેક્ષિત સફળતા ન મળી હોવાથી સુરતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના તમામ વિસ્તારોમાં જતી અને આવતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની બસોની અવરજવર ૨૭મી જુલાઈથી પાંચમી ઓગસ્ટ સુધીના ૧૦ દિવસ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું ૨૫મી જુલાઈએ જાહેર કરાયો છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના સૂત્રોએ જણાવ્યા મુજબ સુરતથી ગુજરાતના જુદાં જુદાં વિસ્તારમાં રોજની ૨૩૪ એક્સપ્રેસ બસ ઉપડે છે. તેમજ ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાંથી સુરત તરફ રોજની ૨૩૪ એક્સપ્રેસ બસ આવે છે. કોરોનાના સંક્રમણને કારણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસમાં ફૂટફોલ બહુ જ ઓછો થઈ ગયો હોવાથી બસદીઠ અંદાજે ૨૦ પેસેન્જર જ પ્રવાસ કરતાં હોવાનું માનવામાં આવે છે. કુલ ૧૨૦૦ બસમાં મળીને ૨૪૦૦૦થી વધુ પેસેન્જરની અવરજવર થાય છે તેથી કોરોના સંક્રમણનો ભય રહે છે.