• સુરત એરપોર્ટનો રન-વે લાંબો કરાશેઃ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ લેવલનું બનાવવા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારમાં મોકલાવેલી દરખાસ્ત પર અમલ શરૂ થયો છે. સુરત એરપોર્ટનો વર્તમાન ૨૨૫૦ મીટરનો રનવે ૩૫૦૦ મીટર લાંબો થઇ શકે તેવી શકયતાને પગલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટના રનવે વિસ્તરણ માટે રૂ. ૫૦ કરોડ મંજૂર કર્યા છે. આ વિસ્તરણ માટે રૂ. ૨૦૦ કરોડની જરૂરીયાત સામે પ્રથમ તબક્કામાં રૂ. ૫૦ કરોડની ફાળવણી થઇ છે. એરપોર્ટ ઓથોરિટી ટૂંક સમયમાં રનવે વિસ્તરણનું ટેન્ડર બહાર પાડશે. સુરતમાં ઇન્ટરનેશનલ ફલાઇટ અને મોટા એરકાર્ગો વિમાન ઉતરી શકે તે માટે ૩૦૦૦ મીટરના રનવેની જરૂરીયાત છે. અત્યારે ૨૨૫૦ મીટરના રનવેમાં ૧૮૯ સીટરનું ૩૭૩ બોઇંગ વિમાન ઉતારવાની ક્ષમતા છે.
• સાવલી ન.પામાં ભાજપના ૧૨ સભ્યોનાં રાજીનામાંઃ વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાના ભાજપાના ઉપપ્રમુખ પર થયેલા હુમલાના વિરોધમાં નગરપાલિકાના ઉપપ્રમુખ સાથે ૧૨ સભ્યોએ રાજીનામાં ધરી દેતા હડકંપ મચ્યો છે. ઉપપ્રમુખ કલ્પેશ પટેલે પોતાના પર થયેલા હુમલા પ્રકરણમાં ભાજપાના જ ધારાસભ્ય કેતન ઇનામદારે ગુંડાતત્ત્વો મોકલી હુમલો કરાવ્યો હોવાના ગંભીર આક્ષેપ કરતા સ્થાનિક ભાજપામાં આંતરિક ભડકો થયો હતો. વડોદરા લોકસભાની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યાં સાવલીમાં ભાજપ શાસિત પાલિકામાં બળવો થતાં રાજકીય ગરમાવો પ્રસર્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદાર પોતે અપક્ષમાંથી ચૂંટાયા છે.
• ગામમાં અનોખી કોમી એકતાઃ ભરૂચ પંથકના વાગરા તાલુકાના ઓછી વસતી ધરાવતા સલાદરા ગામના લોકોના એક નિર્ણયથી કોમી એખલાસ તથા ભાઇચારો વધુ મજબૂત બન્યો છે. ગામમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર ઉપર નમાઝ તથા મંદિરમાં આરતી બાબતે બે કોમ વચ્ચે મનદુઃખ ઊભું થતાં બંને કોમના આગેવાનોએ મંદિર અને મસ્જિદ ઉપરથી લાઉડસ્પીકર દૂર કરવાનો નિર્ણય લીધો છે. જેનો ઠરાવ પણ ગ્રામપંચાયતના સભ્યોએ સર્વાનુમતે પસાર કર્યો છે.
• હીરા વેપારી રૂ. ૬ કરોડમાં ઉઠમણું કરી ફરારઃ સુરત હીરાબજારમાં પોલીશ્ડમાં સિંગલ કટનો ધંધો કરતો વધુ એક વેપારી ગત સપ્તાહે ગાયબ થતાં દલાલો-મેન્યુફેકચરર્સની રૂ. ૬ કરોડની રકમ ફસાઇ છે. આ વેપારી પણ વલ્લભીપુરનો વતની છે. હીરાબજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, મહિધરપુરામાં પોલીશ્ડની ખરીદી કરતો વેપારીનો પત્તો નહીં લાગતાં લેણદારોએ શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીશ્ડમાં સિંગલનો ધંધો કરતા વેપારીઓનાં તાજેતરમાં ઉઠમણાંની ઘટનાઓ વધવા પામી છે. છેલ્લાં ચાર માસમાં હીરા ઉદ્યોગમાં વેપારીઓનાં ઉઠમણાંની ઘટનામાં સતત વધારો થયો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ છેલ્લાં ચાર માસમાં મોટા હીરાનાં ચાર વેપારીઓએ ઉઠમણાં કરતાં લેણદારોની અંદાજે રૂ. ૧૫૦ કરોડની રકમ સલવાઈ હોવાનું બહાર આવ્યું છે.
• સુરતમાં ફલાઇટ માટે આઈઓસી ફ્યૂઅલ પહોંચાડશેઃ સુરત એરપોર્ટ ખાતે ફ્યુઅલ પહોંચાડવાનો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને (આઇ.ઓ.સી) ઇનકાર કરતા ૧ સપ્ટેમ્બરથી ફલાઇટ આવા-ગમનનો ગંભીર પ્રશ્ન સર્જાવાનો ભય તોળાતો હતો. પરંતુ સુરત એરપોર્ટ તંત્રે નાગપુર ખાતેથી પેટ્રોલીયમ એકસપ્લોઝીવ એન્ડ સેફટી ઓર્ગેનાઇઝેશનની મંજુરી મેળવતા આઇ.ઓ.સી. સુરત એરપોર્ટને ફયુઅલ આપવાનું બંધ નહી કરે તેવું જણાવ્યું છે.