વડોદરાઃ શહેરના સૂરસાગર ખાતે ભગવાન સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફૂટ ઉંચી મૂર્તિને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરીનો મહાશિવરાત્રીના પવિત્ર દિનથી પ્રારંભ થયો છે. મુખ્ય પ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ૧૧ માર્ચે મહાદેવજીની મૂર્તિના ચરણમાં પ્રતિકાત્મક સોનુ પધરાવીને આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મહાદેવજીની પૂજાઅર્ચના બાદ દર વર્ષની જેમ સૂરસાગરની ફરતે હજારો ભાવિકો દ્વારા દીવા પ્રગટાવીને મહાઆરતી કરાઇ હતી. જેમાં મુખ્ય પ્રધાન સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન રુપાણીએ કહ્યું હતું કે, ગુજરાતને ભોળાનાથના આશીર્વાદ સતત મળતા રહ્યા છે. સાથે સાથે દેશના સુપ્રસિદ્ધ તિર્થધામો કેદારનાથ, બનારસ અને અયોધ્યાની પણ કાયાપલટ થઈ રહી છે અને નયા ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની આગવી ઓળખ સમાન સૂરસાગરની મધ્યમાં આવેલી સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સોનાનું આવરણ ચઢાવવા માટે ઓરિસ્સાથી આઠ કારીગરોની વિશેષ ટીમને બોલાવવામાં આવી છે. આ ટીમ દ્વારા દેશના ૫૦ કરતા વધારે ધાર્મિક સ્થળોએ સોનાનું આવરણ ચઢાવવાનું કામ કરાયુ છે.
આ ટીમ સોનાને ટીપીને કાગળ કરતા પણ પાતળા વરખ જેવો આકાર આપશે. આ વરખને ચાર બાય છ ઈંચના ટુકડામાં વહેંચવામાં આવશે. હાલમાં મહાદેવજીની મૂર્તિ પર તાંબાનુ આવરણ ચઢાવાયેલુ છે. આ આવરણ પર વિશેષ પ્રકારનુ કેમિકલ લગાવાશે અને તે સુકાઈ ગયા બાદ સોનાના ટુકડા લગાવવાનુ કામ શરૂ કરવામાં આવશે. આવા હજારો ટુકડા મૂર્તિ પર લગાવાશે. આ સમગ્ર કામગીરી આગામી મહાશિવરાત્રિ સુધીમાં સમેટી લેવાશે.