વડોદરાઃ વડોદરામાં સોમવારે ‘લગ્ન પ્રેમ અને સેક્સ’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખ અને જાણીતા લેખક-ચિંતક ડો. ગુણવંત શાહ સહિતના વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
લોર્ડ ભીખુ પારેખે પણ પોતાના વિચારો રજૂ કર્યા
લોર્ડ ભીખુ પારેખે જણાવ્યું કે, સેક્સ શબ્દનો ગુજરાતી ભાવાર્થ જ થયો નથી. તેમાં લગ્ન, પ્રેમ અને સેક્સ એકબીજા સાથે સંકળાયેલા છે, સેક્સ વ્યક્તિગત સંવેદના છે. ત્રણેય એકબીજા સાથે રહે ત્યારે જ આદર્શ સમાજની રચના થાય છે. સેક્સ એક સાંસારિક જીવનનો ભાગ છે. આજની યુવા પેઢીને લગ્ન, પ્રેમ અને સેક્સ માટેનું શિક્ષણ આપવું જરૂરી છે. વિદેશમાં સેક્સનો કોઇ છોછ નથી. માતા-પિતા પોતાના સંતાનો સાથે સેક્સની ચર્ચા કરતા નથી. પરિણામે આજની યુવાપેઢી ઇન્ટરનેટ દ્વારા સેક્સનું જ્ઞાન મેળવે છે. પરંતુ, ઇન્ટરનેટથી મેળવેલું જ્ઞાન નુકશાનકારક પણ સાબિત થાય છે. ગેંગરેપના કિસ્સા તેનું પરિણામ છે. સેક્સના કારણે જે ગેરસમજો પેદા થતી હોય છે તેણે જ સેક્સને કોમોડિટી બનાવી દીધું છે.
ડો. ગુણવંત શાહે જાણીતા લેખક ટોલસ્ટોયને ટાંકીને કહ્યું હતું કે, સેક્સ કદી માણસનો પીછો છોડતું નથી. સેક્સ જ મનને પજવે છે. તેમણે કહ્યું હતું કે, સેક્સ અસ્તિત્વ માટે છે. ઇશ્વરની શ્રેષ્ઠ ભેટ સેક્સ છે. કારણ કે સેક્સ વગરની પૃથ્વી બચી જ ના શકે. આજની નવી પેઢી સેક્સ પ્રત્યે સુગ રાખતી નથી. સેક્સને વલ્ગર કહેવું એ તો માતાની નિંદા કરવા બરાબર છે. જો માતૃત્વ પવિત્ર હોય તો સેક્સ પણ પવિત્ર છે.