કેવડિયા: કેવડિયા કોલોનીમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વિસ્તારના સૌંદર્યને વધુ સારી રીતે માણી શકે તે માટે નર્મદા નિગમે અહીં રોપ-વે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ અંગેના ટેન્ડર બહાર પાડીને જગ્યા પસંદ કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની આસપાસ આવેલા વિંધ્યાચલ અને સાતપુડા પર્વત વચ્ચે આ રોપ-વે બનશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનો નજારો પણ રોપ-વે પરથી માણી શકાશે. આ રોપ-વે માટે અંદાજિત રૂ. ૬૦ કરોડનો ખર્ચ થશે તેવું જાણવા મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જળમાર્ગે બોટથી નિહાળવા માટે ૨ જેટીને બોટ તૈયાર કરી દેવાઈ છે, પરંતુ લોકડાઉનના લીધે બોટનો પ્રોજેક્ટ બંધ હતો. બોટનું ટેસ્ટિંગ પણ થઇ ગયું છે અને રૂટ પણ ચેક થઇ ગયો છે. હવે ઓક્ટોબરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખૂલશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. તેથી આ વિસ્તારમાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધા અને આકર્ષણ ઊભાં કરાઈ રહ્યાં છે. રોપ-વેની ટેન્ડર પ્રક્રિયામાં ૨૪ માસમાં કામ પૂરું કરવાની શરત રાખવામાં આવી છે.