સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ક્રૂઝ સેવાનું શક્યતઃ વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ

Monday 12th October 2020 06:56 EDT
 
 

કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ૨૦૦ પ્રવાસીઓને એક સાથે બેસાડી ૬ કિ.મી.નો ફેરો ફરી મનોરંજન સાથે બોટિંગ કરાવતી ફેરી ક્રૂઝ સર્વિસ ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય તેવી શક્યતાઓ છે. જોકે, કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ માટે ૫૦ જેટલા પ્રવાસીઓની સફર કરાવવામાં આવશે તેવી તૈયારી સાથે આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે. તેવા અહેવાલ છે. એક પ્રવાસી દીઠ રૂ. ૩૦૦ની ટિકિટ હાલ નક્કી કરાઈ છે.
નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા ૨ વર્ષમાં ૪૪ લાખ કરતાં વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં હવે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ક્રૂઝ સર્વિર શરૂ કરવામાં આવશે. હાલમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ખાતે ક્રૂઝ દ્વારા લિબર્ટીની આજુબાજુ ફરી લિબર્ટી જોઈ શકાય છે તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ ક્રૂઝ ફરશે. આ ક્રૂઝમાં સામાન્ય સંજોગોમાં એક સાથે ૨૦૦ જેટલા પ્રવાસીઓ સવારી કરી શકશે, પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીની સ્થિતિને જોતાં માત્ર ૫૦ મુસાફરોને જ એક રાઉન્ડમાં બેસાડવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter