ગાંધીનગર, રાજપીપળાઃ ગુજરાતમાં સરદાર સરોવર સ્થિત સરદાર સાહેબની ૧૮૨ મીટરની સૌથી ઊંચી પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વનક્શામાં આગવું સ્થાન અપાવ્યું છે. પ્રસિદ્ધ ‘ટાઇમ’ મેગેઝીને વર્ષ ૨૦૧૯ના વિશ્વના ૧૦૦ સૌથી મહાન સ્થળોની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો સમાવેશ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વિશ્વના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળમાં સ્થાન મળ્યું છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા બનાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલિ આપી છે. આ પ્રતિમાના નિર્માણ, લોકાર્પણ પણ વડા પ્રધાન મોદીએ કરીને સરદાર સાહેબનું નામ વિશ્વભરમાં ગુંજતું કર્યું છે. દેશ-વિદેશમાં વસતા સૌ ભારતીયો, ગુજરાતીઓ માટે પણ આ ગૌરવરૂપ ઘટના છે. તેમણે કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસનને લગતા બીજા પણ અનેક પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યા છે. આ સ્ટેચ્યુને નિહાળવા દેશ-વિદેશના પર્યટકો આવે છે અને તેની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે.
‘ટાઇમ’ મેગેઝીનની યાદીમાં ડેન્માર્કના કેમ્પ એડવેન્ચર, કેનેડાની સેન્ટ્રલ લાઇબ્રેરી, ઇજિપ્તના રેડ સી પર્વતો, કતારનું નેશનલ મ્યુઝિયમ, ન્યૂ યોર્કના નેશનલ કોમેડી સેન્ટર સહિતના સ્થળોનો સમાવેશ થાય છે.
‘ટાઇમ’ મેગેઝીને યાદી સાથે જણાવ્યું છે કે આ બધા એવા સ્થળો છે જેની મુલાકાત દરમ્યાન વિશિષ્ટ અનુભવ થાય છે, જે જીવનભર યાદગાર રહે છે. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યાં બાદથી અત્યાર સુધીમાં ૨૧.૬૦ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લઇ ચૂક્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારોમાં અનેકવિધ પ્રોજેક્ટ આકાર લઇ રહ્યા છે.
૩૦ પ્રોજેક્ટ ખુલ્લા મુકાશે
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારમાં બટરફ્લાય ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર, સફારી પાર્ક સહિતના ૩૦ જેટલાં અલગ અલગ પ્રોજેક્ટો આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકાશે. જેના પગલે વિશ્વના જોવાલાયક ૧૦ સ્થળોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળશે એવો આશાવાદ વ્યક્ત કરાયો છે.
સ્ટેચ્યૂ ખાતે સુવિધાઓ વધારાશે
નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રતિદિન ૧૫ હજાર મુલાકાતીઓની મર્યાદા નક્કી કરાઇ હતી. જ્યારે વ્યુઇંગ ગેલેરીની મર્યાદા ૫૦૦૦ પ્રવાસની હતી. જોકે ૩૧ ઓક્ટોબર બાદ પ્રતિ દિન ૫૦ હજાર પ્રવાસીઓ મુલાકાત લઇ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે પાર્કિંગ અને ટિકીટ વિન્ડોથી લઈને પ્રવાસીઓ માટે ફૂડ કોર્ટ, અવરજવર માટે બસો સહિતની સુવિધાઓ વધારવામાં આવશે.