કેવડિયા કોલોનીઃ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાનું સર્જન કરવાનો વિચાર કોને આવેલો? બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. ઓગસ્ટ-૨૦૧૦ના અરસામાં રાજ્યના નિવૃત્ત મુખ્ય સચિવ એવા સરદાર સરોવર નર્મદા નિગમના એ સમયના ચેરમેન ડી. રાજગોપાલન જેઓ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત મિત્ર હતા, તેમણે આ આઇડિયા મોદી સમક્ષ રજૂ કર્યો હતો.
કેવડિયા નજીક વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી સરદાર સાહેબની વિરાટ પ્રતિમા બને, જે નર્મદા ડેમ તરફ જોતી હોય અને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની માફક એ પ્રતિમાની અંદરથી લિફ્ટ દ્વારા છેક ઊંચે જઇ નજારો નિહાળી શકાય, એવો મૂળ વિચાર વિસ્તૃત પ્રેઝન્ટેશન સાથે પૂણેના એક આર્કિટેક્ટએ એમના મિત્ર એવા ડી. રાજગોપાલન સમક્ષ સમક્ષ રજૂ કર્યો હતો અને આ પરિકલ્પના રાજગોપાલનએ મોદીને જણાવી ત્યારે મોદી અત્યંત પ્રભાવિત થયા હતા અને એમણે તરત જ પ્રોજેક્ટ હાથ ઉપર લેવાનો નિર્ણય કર્યો હતો. આ ઘટના યાદ કરતાં વરિષ્ઠ અધિકારીઓ સંભારે છે કે, આઇડિયા સુઝાડનારા ડી. રાજગોપાલન અત્યારે ક્યાં છે તે જાણમાં નથી, પણ એમણે રજૂ કરેલો વિચાર આજે મૂર્તિમંત થઇ ગયો છે.