અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ખેડા જીલ્લાના મઘરોલ ગામને દત્તક લીધું હતું. મઘરોલમાં વિવિધ વિકાસના કામો માટે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ લાખો ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. કોંગ્રેસે ગુજરાત હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી જેના પગલે વહીવટીતંત્રે તપાસ કરવા મજબૂર થવું પડયું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, સ્મૃતિ ઇરાનીના અંગત સચિવની લેખિત અને મૌખિક સૂચનાથી જુદા જુદા કામો માટે ખેડાની શારદા મજૂર કામદાર સહકારી મંડળીને કોન્ટ્રાક્ટ હતો. જેમાં વ્યાપક ગેરરીતી થઇ હતી. જે કામો દર્શાવાયા હતાં તે કામો થયા જ ન હતાં. કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીની રાજીનામાની માગ કરી છે. પ્રકરણની તપાસ કરતાં માલૂમ પડયુ કે, આણંદ કલેક્ટરે શારદા મજૂર કામદાર મંડળી પાસેથી મૂળ રકમ રૂ. ૨,૯૫,૮૫,૯૨૧ ઉપરાંત ૧૮ ટકા વ્યાજ સાથે કુલ મળીને રૂ. ૪,૦૮,૪૩,૦૪૦ વસૂલ કરવા આદેશ કર્યો હતો. જે અંગે કોઈ પગલાં લેવાયા નહોતાં.