વડોદરાઃ વિશ્વવંદનીય અક્ષરનિવાસી પ્રમુખસ્વામી બાપાના જન્મસ્થળ એવા વડોદરા નજીક પાદરા તાલુકાના ચાણસદ ગામના એક પરિવાર દ્વારા બાપાને અનોખી શ્રદ્ધાંજલિ રૂપે એક જ પરિવારના આઠ સભ્યો દ્વારા દેહદાનનો સંકલ્પ કર્યો છે. બીએપીએસના વડા પ્રમુખસ્વામી મહારાજ ગત તા.૧૩મીએ અક્ષરનિવાસી થતાં તેમનું જન્મસ્થળ એવું ચાણસદ ગામ શોકાતુર બની ગયું છે. ગામના રહીશો દ્વારા બાપાને અંજલી અર્પવા માટે વિવિધ સંકલ્પ લેવામાં આવી રહ્યા છે. ચાણસદના વતની અને હાલ સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગોપાલકૃષ્ણ પટેલ તથા પાદરા નગર નાગરિક બેન્કના આસિસ્ટન્ટ મેનેજર બાલકૃષ્ણ પટેલના પરિવારના આઠ સભ્યોએ શ્રદ્ધાંજલિ રૂપે દેહદાન કરવાનો આ સંકલ્પ લીધો છે.
ગોપાલકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપવાના સ્વરૂપે જ અમારા પરિવારના આઠ સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંકલ્પ લેનારાઓમાં ગોપાલકૃષ્ણ પટેલ ઉપરાંત તેમના પત્ની વીણાબેન, પુત્ર જય અને પુત્રી મીરા તથા બાલકૃષ્ણ પટેલ તથા તેમનાં પત્ની જયશ્રીબેન, પુત્ર દિવ્યેશ અને પુત્રવધૂ અર્પિતાનો સમાવેશ થાય છે.