નડિયાદ: સ્વામીનારાયણ ભગવાનના જીવનચરિત્ર પરના સંપ્રદાયના સૌથી મોટા હરિચરિત્રામૃત ગ્રંથને કુંડળધામના સ્વામીજી જ્ઞાનજીવનદાસની પ્રેરણાથી કારેલીબાગ વડોદરા સ્વામીનારાયણ મંદિર દ્વારા ટાઇટેનિયમ ધાતુમાં કોતરાવાયો હતોે. કોતરાવાયેલો ગ્રંથ વડતાલ મંદિરને કાર્તિકી સમૈયામાં અર્પણ કરાયો હતો. આ ગ્રંથને એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ભગવાન સ્વામીનારાયણના જીવનચરિત્ર ધરાવતા ટાઇટેનિયમ ગ્રંથ તરીકે એવોર્ડ મળતાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો અને ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
વડતાલ સ્વામીનારાયણ મંદિરના આસિસ્ટન્ટ કોઠારીજી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે, કાર્તિકી સમૈયામાં પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી કારેલીબાગ વડોદરા સ્વામી. મંદિર દ્વારા ટાઇટેનિયમ ધાતુમાં કોતરાવીને હરિચરિત્રામૃત ગ્રંથને વડતાલ મંદિરને અર્પણ કરાયો હતો. આ ગ્રંથમાં ૧,૧ર,પ૬૪ દોહા, ચોપાઇ અને સોરઠાઓનો સમાવેશ છે. જેને ૧ર,૪૦૪ ટાઇટેનિયમ ધાતુના પતરાઓનાં પેજ ઉપર લેસર મશીનથી કોતરાવવામાં આવેલા છે. આ ગ્રંથનું વજન ૧૦૪૭ કિલો છે. આ અજોડ કાર્ય સ્વામીનારાયણ મંદિર કારેલીબાગ વડોદરાના જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા તૈયાર કરાયું હતું. આ પુસ્તકની રચના લેસર મશીન દ્વારા ર૪ મે ર૦૧પથી ૭ જુલાઇ ર૦૧૮ દરમિયાન કરવામાં આવી હતી. ૯ જુલાઇ ર૦૧૯ના રોજ આ કાર્યને એશિયાઇ રેકોર્ડ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. શિલ્ડ તથા સર્ટિફિકેટ જેતપુર મંદિરના કોઠારી સ્વામી નીલકંઠચરણદાસજીએ સ્વામી જ્ઞાનજીવનદાસજીને ખંભાતમાં અર્પણ કર્યાં હતાં.
આ ગ્રંથને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ ટાઇટેનિયમ ધાતુની પ્લેટ પર કોતરાયેલા હિન્દી ભાષામાં સૌથી મોટા ગ્રંથ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેના શિલ્ડ તેમજ સર્ટિફિકેટ ખંભાતમાં સત્સંગ મહાસંમેલન પ્રસંગે જ્ઞાનજીવનદાસજી (કુંડળધામ)ને અર્પણ કરાયા હોવાનું સાધુ અલૌકીકદાસજીએ હરખ સાથે જણાવ્યું હતું.