નડિયાદ: આપણે ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા એક યા બીજા સમયે સાંભળતા રહ્યા છીએ, પણ મધ્ય ગુજરાતમાં હવે લેન્ડ જેહાદનું પ્રકરણ બહાર આવ્યું છે. ખેડા જિલ્લાના માતર તાલુકામાં રૂ. 400 કરોડની 2 હજાર વીઘા જમીન 500થી વધુ બોગસ ખેડૂત ખાતેદારોએ ખરીદી હોવાનો રાજ્ય સરકારની તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
છેલ્લા બે મહિનામાં થયેલી ફરિયાદોને પગલે 2012થી અત્યાર સુધીમાં થયેલી જમીન લે-વેચની તપાસ કરતા જમીન લે-વેચના 628 કેસ શંકાસ્પદ જણાયા છે. જેમાં 500થી વધુ લોકોને પુરાવા રજૂ કરવા નોટિસ અપાઇ છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આ મામલે શનિવારે સરપ્રાઇઝ ચેકિંગ કરતાં સમગ્ર તંત્રને દોડતું થઇ ગયું છે.
આવી જમીન સરકાર હસ્તક લેવાશેઃ મહેસૂલ પ્રધાન
માતર મામલતદાર કચેરીએ ઓચિંતી મુલાકાતે પહોંચેલા મહેસૂલ મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે, જે લોકો બનાવટી ખેડૂત બની ગયા છે તેમના ઉપર રાજ્ય સરકાર કાયદા અન્વયે કડકમાં કડક પગલાં લેશે તથા સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર છે. જે લોકો બોગસ ખેડૂત બની રાજ્ય સરકારની યોજનાઓના લાભ લેશે તેમને આકરી સજા કરવામાં આવશે. બનાવટી ખેડૂત જે હશે તેની જમીન સરકાર હસ્તક લેવામાં આવશે.
અધિકારીઓને આકરા પગલાની ચેતવણી
કૌભાંડ બાબતે મીડિયા સમક્ષ વિગતો આપતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં સ્પષ્ટપણે તંત્ર અને અધિકારીઓની બેદરકારી, ઇરાદાપૂર્વકની કામગીરી સામે આવી છે. જેથી આ પ્રકારના કિસ્સામાં મદદગારી બાબતે અધિકારીઓને એટલું જ કહેવું રહ્યું કે જેલમાં ન જવું પડે તેની કાળજી રાખજો.
ઉલ્લેખનીય છે કે 2006માં ફરજ બજાવતા અધિકારીના કાર્યકાળમાં જ 200 બોગસ ખેડૂત ખાતેદારના દસ્તાવેજો બન્યા છે. આ અધિકારી હાલ નિવૃત્ત છે, પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની સામે કાર્યવાહી કરાશે. તેઓ કબરમાં જાય તે પહેલાં જેલમાં મોકલાશે એમ મંત્રીએ જણાવ્યું હતું.
આ કિસ્સા પરથી કૌભાંડનો પર્દાફાશ
• કમાલ નામમાંથી કમાલવાલા અટક કરીઃ અમદાવાદના કમાલભાઈ નામના એક ઇસમે નામમાં ફેરફાર કરીને કમાલવાલા અટક કરી નાખી. દરિયાપુર-ગાજીપુરના તલાટી પાસે વારસાઈમાં નામો ઉમેરાવીને પેઢીનામું તૈયાર કરાવ્યું. આ પછી વારસદારોના રૂબરૂ જવાબો તલાટી-કમ-મંત્રી બહેરામપુરા પાસે કરાવ્યા, અને પછી કમાલના નામની કમાલવાલા અટક કરી જમીનો ખરીદી છે.
• ભગવાનનું નામ કમી કરી નાખ્યુંઃ વણસરના પ્રાણનાથ મહાદેવના નામે ચાલતી જમીનમાં કલેક્ટર-ખેડા દ્વારા વહીવટકર્તાની વારસાઈનો તા. 15-4-2013ના રોજ હુકમ કર્યો હતો. જે હુકમને પરવાનગી ગણીને વહીવટકર્તાએ જમીન વેચાણ કરવામાં પ્રાણનાથ મહાદેવનું નામ કમી કરી નાંખ્યું છે.
• હિન્દુ ખાતેદારે મુસ્લિમને વિલથી જમીન આપીઃ સાણંદ તાલુકાની હિન્દુ ખાતેદારની જમીનમાં વિલ દ્વારા મુસ્લિમ વ્યક્તિનું નામ દાખલ કરાવીને માતરમાં જમીનની ખરીદી કરી લેવામાં આવી.
• માતાના બદલે પુત્રનું નામ દાખલઃ મહેમદાવાદ તાલુકાના રૂદણમાં અમીનાબીબીના નામે જમીન હતી, તેમનું નામ બદલીને મદીનાબીબી કરી દેવામાં આવ્યું. બંને અલગ મહિલાઓ છે તેવો કારસો રચી તેમાં પુત્ર ગુલામનબીનું નામ દાખલ કરાયું. તેના આધારે સાયલામાં જમીન ખરીદવામાં આવી છે. હકીકતમાં અમીનાબીબી અને મદીનાબીબી બંને એક વ્યક્તિઓ છે, પરંતુ ભળતા નામનો ઉપયોગ કરી સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે. પિતા કે જે બિનખેડૂત હતા તેમના નામે પણ ઇન્દ્રવરણામાં જમીન ખરીદવામાં આવી હતી.
• એક જ વ્યક્તિના 44 વંશજ, પુત્રની ઉંમર 51 વર્ષ ને માતાની ઉંમર 49 વર્ષ!ઃ માતરમાં બે ખાતાની જમીન મૂળ 3 વ્યક્તિના નામે હતી, જેમાં 2006માં વારસાઈ થતાં 44 વારસદારોના નામ દાખલ કરવામાં આવ્યાં હતાં. 2006ની આ વારસાઈમાં માતાની ઉંમર 49 વર્ષ છે જ્યારે પુત્રની ઉંમર 51 વર્ષ દર્શાવવામાં આવી હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી છે. આવા પેઢીનામા, બનાવટી વારસાઈ હુકમ ઊભા કરવામાં આવ્યા છે.
તમને બોલાવ્યા નથી તો કેમ આવ્યા? મહેસૂલ મંત્રી
નડિયાદ: મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડા જિલ્લાના માતર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઇને દફતરોની ચકાસણી કરી હતી. મહેસૂલ મંત્રીના આગમનની જાણ થતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ પણ પહોંચી ગયા હતા. આ સમયે ત્રિવેદીએ ‘તમે અહીં ક્યાંથી આવ્યા? તમને બોલાવ્યા નથી તો પણ કેમ આવ્યા?’ કહીને અપમાનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે માતરના આ ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા ગયા હતા. જેમાં તેમને સજા પણ થઈ હતી ત્યારથી રાજ્ય સરકાર માતરના આ ધારાસભ્યથી નારાજ છે. જિલ્લામાં સરકારી કાર્યક્રમોમાં માતરના ધારાસભ્યની ગેરહાજરી જોવા મળે છે.