છોટા ઉદેપુરઃ જિલ્લાના તીર્થધામ હાફેશ્વર શિવ મંદિરે તાજેતરમાં પુનઃ જળસમાધિ લઈ લીધી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે નર્મદા નદીના કિનારે આવેલું શિવમંદિર હવે ફરી ક્યારે આખું જળમાંથી બહાર આવશે તે કહી શકાય તેમ નથી. નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો થતાં શિવ મંદિર ડૂબમાં સમાઈ ગયું છે. સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો હતો જેને લઈને વર્ષ ૨૦૦૪માં આખેઆખું હાફેશ્વર મંદિર નર્મદા નદીમાં ગરકાવ થઈ ગયું હતું.
આ વર્ષે ગુજરાતમાં પાણીનું સંકટ ઘેરું બન્યું હતું. ઉપરાંત નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોચાડાતાં સરદાર સરોવર ડેમના સ્ત્રાવ વિસ્તારમાં પાણી ખૂબ જ ઘટી ગયું હતું. જેને લઈને ૧૪ વર્ષ બાદ હાફેશ્વર મંદિર ઉનાળામાં ધીમે ધીમે બહાર આવ્યું હતું. લગભગ ૪૦ ફૂટ કરતાં વધુ દેખાયું હતું. મે માસમાં નર્મદા ડેમની જળસપાટી ૧૦૫ મીટરે ઉતરી જતાં મંદિર નર્મદા નદીમાંથી બહાર આવ્યું હતું.
ગર્ભગૃહના દરવાજા પણ ખુલ્યા હતા. હજારો ભક્તો બોટના સહારે મંદિર બહાર આવી દર્શન કરતા હતા. સ્થાનિકો મંદિરે આવીને પૂજા અર્ચના પણ કરતાં હતા. એક સમયે લાગતું હતું કે મંદિર આખું બહાર આવશે અને ભાવિકો આ પૌરાણિક શિવમંદિરમાં શિવલિંગની પૂજા પણ કરી શકશે, પરંતુ છેલ્લા બે મહિનાથી વરસાદી માહોલ જામતાં નર્મદામાં નવાં નીર આવ્યાં અને મંદિર પાણીમાં ગરક થતું ગયું.
નર્મદા કાંઠેથી જ્યાં ત્યાં જવા માટે બોટ મળતી હતી તે જગ્યાના કાચા રસ્તા પર વરસાદના કારણે કાદવકીચડ થઈ જવાના કારણે ત્યાં જઈ શકાતું નથી. મંદિર છ ફૂટ જેટલું પાણીની સપાટીથી ઉપર હતું ત્યારે બોટમાલિકોએ બોટ ચલાવવાનું બંધ કરી દીધું હતું. છેલ્લા એક મહિનામાં વરસાદની સારી આવકના કારણે નર્મદામાં પાણી વધ્યું અને હાફેશ્વર મંદિરે જળસમાધિ લઈ લીધી છે.