હાલોલઃ જાંબુઘોડાના હાલોલ બોડેલી ધોરીમાર્ગ પર શિવરાજપુર ભાટ ગામ પાસેના વળાંકમાં ૧૨મી ઓગસ્ટે રાત્રે સર્જાયેલા કારના ભયાનક અકસ્માતમાં બોડેલીના ખત્રી પરિવારના ૭ બાળકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં બે બાળકીઓ અને ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બોડેલીના પરિવારના બાળકો તેમના કાકા સાથે ફોઈના ઘરે હાલોલ આવ્યા હતા. પરત ફરતી વેળાએ રાત્રે ૧૧.૩૦ કલાકે કારની પાછળનું ડાબી બાજુનું ટાયર નીકળી જતાં વળાંક વાળા રોડ પરથી સીધી ૧૨ ફૂટ ઊંડા સલામતીની રેલિંગ વગર નાળામાં જઈ ખાબકી હતી. આ સમયે કારના દરવાજા ન ખૂલતાં અંદર બેઠેલા ૭ બાળકોનાં ગુંગળાઈ ગયા બાદ કારમાં પાણી ભરાઈ જતાં ડૂબી જવાથી મોત થયાં હતાં.
ઈજાગ્રસ્ત કાકા શોકમાં
કાકા તસ્લિમ ખત્રીના જણાવ્યા પ્રમાણે હાલોલથી ભોજન લઈને પરિવાર બોડેલી જવા નીકળ્યો હતો. મોટાભાગના બાળકો સૂઇ ગયા ગયા હતા. ભાટ ગામ પાસે કારનું પાછળનું વ્હીલ નીકળી જતાં ઊડા ખાડામાં ખાબકી હતી. કાર પથ્થરોમાં પછડાતા દરવાજા ખૂલી ન શક્યા. મદદે આવેલા લોકો સાથે કારમાંથી અમે કાચ તોડી બાળકોને બહાર કાઢ્યા પરંતુ ત્યાં સુધી પાણી ગાડીમાં ભરાઈ જતાં બાળકો ગૂંગળાઈ ગયા જેમાં મારા બે બાળકો સહિત ૭નાં મોત થયા હતા.
સલીમભાઈ ખત્રીના ૩ પુત્રો મોહમંદ બિલાલ (ઉ.૧૮), મોહમંદ રઉફ (ઉ.૧૫), મોહમંદ તાહિર (ઉ. ૧૨)નો સમાવેશ થાય છે. જયારે અલતાફ ખત્રીના પુત્ર સાજીદ (ઉ. ૧૫) અને પુત્રી આસીમાબાનુ (ઉ .૧૧) તેમજ કાર ચાલક તસ્લિમ ખત્રીની પુત્રી ગુલફરોઝબાનુ (ઉ. ૧૩) અને પુત્ર યુસુફ (ઉ. ૮) મોતને ભેટ્યા છે.