વડોદરાઃ હાલોલના જનરલ મોટર્સ કંપનીના કાર પ્લાન્ટને અખાત્રીજના દિવસે એટલે કે ૨૮મી એપ્રિલના રોજ આખરે તાળાં વાગી ગયા હતાં અને પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ પ્લાન્ટમાં ૧૦ લાખ કાર બની છે. અંતિમ દિવસે કર્મચારીઓએ ૬૨ કાર બનાવી હતી. બપોરના ૩-૨૦ કલાકે પ્લાન્ટમાં છેલ્લી કાર બની હતી.
પ્લાન્ટમાં કામ કરતા ૫૫૦ જેટલા કાયમી કર્મચારીઓ અને અન્ય હંગામી કર્મચારીઓમાંથી કેટલાક અંતિમ દિવસે ભાવુક બનીને રડી પડ્યા હતા.
પ્લાન્ટમાં કામ કરતા ૫૫૦ કર્મચારીઓને કંપનીએ મહારાષ્ટ્રના તાલેગાવ પ્લાન્ટમાં ટ્રાન્સફરના ઓર્ડર આપ્યા હતા. કામદાર સંગઠનના રચિત સોનાની જણાવ્યા પ્રમાણે, એક પણ કર્મચારીએ ટ્રાન્સફરનો ઓર્ડર સ્વીકાર્યો ન હતો. જેના પગલે કંપનીએ એમને વીઆરએસ માટેની વર્તમાન ઓફર સ્વીકારવા માટે કહ્યું હતું. જોકે વીઆરએસના ભાગરૂપે અને હાલમાં ઓફર થતી રકમ મંજૂર નહીં હોવાથી આ રકમમાં કામદારોએ વધારો કરવા માટે કહ્યું હતું. જોકે કંપનીએ કોઈ ચોક્કસ જવાબ આપ્યો ન હતો.
હાલોલનો જનરલ મોટર્સનો પ્લાન્ટ ૧૯૯૬માં કાર્યરત થયો હતો અને ૨૦૧૫માં કંપનીએ આ પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી. એક તરફ ગુજરાતમાં કાર કંપનીઓ પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે ત્યારે જનરલ મોટર્સે ગુજરાતનો પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.