વડોદરાઃ કેનેડાના અલ્બર્ટો સ્ટેટમાં આવેલા ફોર્ટમેકરી સિટીમાં ભીષણ આગની હોનારત સર્જાઇ હતી. આગની હોનારત વખતે વડોદરાના ઋષાંગ મનોજકુમાર જોશીએ સ્થળાંતર અને પુનઃવસનની કામગીરી ઉત્કૃષ્ઠ રીતે બજાવી હતી. જેથી તેના કાર્યની નોંધ લઇ કેનેડા સરકાર તરફથી અલ્બર્ટા સ્ટેટના પ્રીમિયર દ્વારા સ્મૃતિચિહ્ન અને પ્રશંસાપત્ર-સર્ટિફિકેટ આપીને ઋષાંગનું સન્માન કર્યું હતું.
વડોદરા એસટી કર્મચારી યુનિયનના પૂર્વ મહામંત્રી મનોજ જોશીના પુત્ર ઋષાંગ કેનેડાના કેલગરીમાં રહીને અલ્બર્ટા સ્ટેટ ગર્વનમેન્ટની અલ્બર્ટા એનર્જી રેગ્યુલેટર્સ કંપનીમાં પ્રોસેસ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. આગની જ્વાળાઓ ફોર્ટમેકરી સિટી તરફ આવતાં ૯૦ હજારથી નાગરિકોનું સ્થળાંતર કરાયું હતું. ઋષાંગને અલ્બર્ટા સ્ટેટના પ્રીમિયર (મુખ્ય પ્રધાન) રાચેલ નોટલે દ્વારા પ્રશંસાપત્ર પાઠવાયો છે. ઋષાંગનું પ્રમાણપત્ર-સ્મૃતિચિહ્નથી બહુમાન કરાતાં વડોદરાનું ગૌરવ વધ્યું છે.
ઋષાંગે બાયોડીઝલ ઉપર રિસર્ચ કરી પુસ્તક લખ્યું
ઋષાંગ જોશીએ એસ. પી. યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે એમએસસી કર્યું હતું. ત્યારબાદ નોવાસ્કોશીયા સ્ટેટ હેબીફેક્સ સિટી-ડેલ્હાઉસી યુનિ.માં માસ્ટર ઓફ એપ્લાઇડ સાયન્સ કર્યું હતું. તેણે બાયોડિઝલ પર રિસર્ચ કરી પુસ્તક પણ લખ્યું છે.