વડોદરાઃ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ કદની અને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું સરદાર જયંતીએ ૩૧ ઓક્ટોબરે વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે વડોદરાના આજવા રોડ પર એકતાનગરમાં રહેતા મજૂર યુવાન હુસૈન ખાન સાદિકખાન પઠાણે પણ સરદાર પટેલની છ ફૂટની પ્રતિમા દીવાસળીથી બનાવી છે. હુસેન માંડ ધો. ૪ સુધી ભણેલા છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જોકે વિવિધ વસ્તુઓમાંથી મૂર્તિઓ બનાવવી કે અનોખા પેઇન્ટિંગ બનાવવાનો તેમને શોખ છે. વિશ્વની સૌથી મોટી પ્રતિમાની ચર્ચા જોરશોરથી ચાલી રહી હોવાથી હુસેનને પણ થયું કે, હું પણ સરદાર પટેલની એવી પ્રતિમા બનાવું કે આજ સુધી કોઈએ બનાવી ના હોય.
તે કહે છે કે મને વિચાર આવ્યો કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ માચિસની સળીઓથી બનાવું. જેથી માચિસની કુલ ૧,૨૮,૦૦૦ સળીઓ, ૭ કિલો ફેવિકોલ તથા ૨.૪ ફેવિક્વિકના ઉપયોગથી પ્રતિમા બનાવી છે. આ મૂર્તિ બનાવતાં છ મહિના લાગ્યા હોવાનું તે જણાવે છે. આ પ્રતિમા બનાવવાનો ખર્ચ
રૂ. ૧૫,૦૦૦નો ખર્ચ થયો છે.