૧૫મા ‘ધર્મજ ડે’માં ધર્મજ SHINE

Saturday 16th January 2021 03:55 EST
 
 

ધર્મજ છેલ્લા ૧૫ વર્ષથી સતત ઉજવાતા ‘ધર્મજ ડે’ની ઉજવણીએ ધર્મજ ગામની આગવી ઓળખ ઉભી કરી છે. ચાલુ વર્ષે કોરોના મહામારી પડકારને ધ્યાનમાં રાખી ઉજવણીના સ્વરૂપમાં પરિવર્તન અપનાવી તે વર્ચ્યુઅલ સ્વરૂપે રાખવામાં આવ્યું હતું. આ વર્ષે આયોજક સંસ્થા ધરોહર ફાઉન્ડેશન, ધર્મજ સાથે ટીચર યુનિવર્સિટી, ગાંધીનગર પણ જોડાયાં હતાં.

ભારતીય સમય મુજબ ૧૨મી જાન્યુઆરીએ સાંજે ૬:૩૦ કલાકે શરૂ થયેલા કાર્યક્રમનો પ્રારંભ ધર્મજ ગીત સાથે થયો હતો. શાબ્દિક સ્વાગત કરતાં સંસ્થાના પ્રમુખ રાજેશ પટેલે કાર્યક્રમમાં વિશ્વભરમાંથી વર્ચ્યુઅલ સ્વરૂપે જોડાયેલા ધર્મજીયનો તથા ધર્મજના શુભેચ્છકોને આવકાર્યા હતા. તેઓએ કોરોનાકાળમાં ઉભી થયેલી પરિસ્થિતિના સંદર્ભમાં જણાવ્યું કે, લડાયક વૃત્તિ ધર્મજના લોહીમાં રહેલી છે. તેથી જ “Come what may, Show must go on”ના સ્પિરીટ સાથે આજે વર્ચ્યુઅલ ઉજવણી કરીને ‘ધર્મજ ડે’ને સૌના દિવાનખંડ સુધી લઇ ગયા છીએ.

ટીચર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. હર્ષદભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં પોતાની યુવાનીના વર્ષો ધર્મજીયન પરિવારના ત્યાં જ વિતાવ્યા તે વાત યાદ કરી પોતાના ઘડતરમાં ધર્મજના યોગદાન બદલ ઋણ સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે જાણીતા કવિ ભાગ્યેશભાઇ જહા દ્વારા ખાસ ધર્મજ માટે જ રચાયેલી અને તેમના જ સ્વરમાં ગવાયેલી કવિતા પણ રજૂ કરવામાં આવી હતી.

એ પછી કાર્યક્રમના હાર્દ સમા વક્તા, જાણીતા લેખક અને ચિંતક શ્રી જય વસાવડાએ સતત સવા કલાક સુધી પોતાની અસ્લખિત વાણી દ્વારા શ્રોતાઓને રીતસર જકડી રાખ્યા હતા. તેમના વ્યક્તવ્યના વિષય ‘પડકારમાંથી પરિવર્તન’ વિશે અનેક જીવન ઉપયોગી ઉદાહરણો આપી સુંદર છણાવટ કરવા સાથે તેમણે સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલથી લઇ અનેક હસ્તીઓએ પડકારોને ઝીલી લઇ કેવી રીતે પરિવર્તન લાવેલા તેની વાતો રસપ્રદ રીતે રજૂ કરી હતી. ધર્મજ ગામના પાટીદારો પેઢીઓથી પડકારોનો સામનો કરી કેવી રીતે પરિવર્તન અને પ્રગતિ કરતા રહ્યા છે તે વાતને SHINE શબ્દના અક્ષરો સાથે ધર્મજના સ્વભાવને સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે,

S - Sincerity (નિષ્ઠા અને પ્રતિષ્ઠા)

H - Humanity (માનવતા – બીજા માટે જીવવાની વૃત્તિ)

I - Integrity (પ્રમાણિકતા અને વફાદારી)

N - Novelty (નવું કરતા રહેવું – પડકારો ઝીલતા રહેવું)

E - Enjoyability (મોજ કરતા રહેવું)

તેમણે યુવાનોને ખાસ સંદેશ આપ્યો હતો કે, ‘Enjoy the moment’ જીવનની નાની નાની ક્ષણનો આનંદ માણતા રહો, મોજ કરતા રહો, પરિવર્તન સ્વીકારતા રહો. કારણ કે પરિવર્તન સ્વીકારે એ જ ટકી રહે છે. ભારતીય સંસ્કૃતિનો દાખલો આપતાં જણાવ્યું કે, તે વહેતી સરિતા જેવી છે, જે દરેક નવી વાતને સ્વીકારીને આગળ વધતી રહી છે માટે જ આજે પણ જીવંત છે. પ્રવચનમાં અનેક જીવન ઉપયોગી દૃષ્ટાંતો આપવા સાથે સમાપન કરતાં તેમણે જણાવ્યું હતું કે, જેમ વાહનનો રિઅર વ્યુ મિરર એટલે કે પાછળ જોવાનો અરિસો ખૂબ નાનો હોય છે જ્યારે વિન્ડ શિલ્ડ ગ્લાસ એટલે કે આગળ જોવાનો કાચ ખૂબ મોટો હોય છે તેમ મનુષ્યએ પણ પોતાના જીવનમાં આગળ જોવાની દૃષ્ટિ વિશાળ રાખવી જોઇએ. તેમણે યુવાનોને લોકો સાથે બિનજરૂરી સંઘર્ષ ટાળી “ૐ ઇગ્નોરાય નમ:” મંત્ર અપનાવી નકારાત્મક વાતોને અવગણીને આગળ વધવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ‘ટીમ ધર્મજ’ વતી રાજેશ પટેલે જાહેરાત કરી હતી કે, આગામી વર્ષે ૧૬મો ‘ધર્મજ ડે’ યુવાશક્તિને સમર્પિત કરી યુવાનોને પસંદ એવા ડેનિમના ભૂરા રંગની થિમ સાથે ઉજવવામાં આવશે. જેની તૈયારી માટે આજથી જ સમગ્ર ટીમ કામે લાગશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી હતી. ૧૫મા ધર્મજ ડેની વર્ચ્યુઅલ ઉજવણીના કાર્યક્રમનું સુંદર સંચાલન ટીચર યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્ષટેન્શનના વડા ડો. મેહુલભાઇ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શ્રી જય વસાવડા, ડો. હર્ષદભાઇ પટેલ તથા ટીચર યુનિવર્સિટીની ટીમ, ધર્મજની આગેવાનો સંસ્થાઓના મોભીઓ, ધર્મજ કેળવણી મંડળ, દેશ અને પરદેશથી કાર્યક્રમમાં જોડાયેલા સૌ બહેનો તથા ભાઇઓ, મીડિયાના માધ્યમો, એસ. કે. ચેનલ – આણંદ, રાહ ઇન્ટરનેટ –દંતાલી (પેટલાદ), આકાશ કેબલ વિઝન – પેટલાદ, ઉદાર હાથે ફાળો આપનાર સૌ દાતાશ્રીઓ, ટીમ ધર્મજના સૌ કર્મઠ સાથીઓ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ બનનાર તમામ નામી – અનામી સૌનો આભાર માનવામાં આવ્યો હતો. અંતમાં સૌ ‘Next January in Dharmaj’ના વાયદા સાથે છૂટા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમની સફળતાનો ક્યાસ એ વાત ઉપરથી નીકળે છે કે, ૧૩મી જાન્યુઆરીની સવાર સુધીમાં ટીચર યુનિવર્સિટીના ફેસબુક પેજ ઉપરથી ૭,૫૦૦ લોકોએ તેને નિહાળવા સાથે ૭૩ લોકોએ શેર કરેલ જ્યારે જય વસાવડાની યુ ટ્યૂબ ચેનલ ઉપરથી ૪,૭૦૦ લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. દેશ અને દુનિયાભરમાંથી લોકો પોતાના સમયની અનુકૂળતા મુજબ કાર્યક્રમને નિહાળતા હોવાથી આ આંકડો હજુ પણ વધશે. આમ ધર્મજના વધુ એક અભિનવ પ્રયોગને લોકોએ સારી રીતે બિરદાવતા આયોજકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter