વડોદરાઃ ધોરણ-૧૦ના જાહેર થયેલા પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. પરંતુ વડોદરાના એક વિદ્યાર્થીએ અનેક શારીરિક મર્યાદાઓ વચ્ચે સુંદર પરિણામ મેળવ્યું છે. નેક્સન ગુરુવિંદરસિંહ શેખોને ધોરણ-૧૦માં ૭૦.૯૭ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. નેક્સનને જન્મજાત ઓસ્ટીયોજેનેસીસ ઈમ્પર્ફેક્ટા નામની જેનેટિક બિમારી છે. આ રોગ ખૂબ જ ઓછા લોકોને થાય છે અને તેનો કોઈ ઈલાજ નથી. આ રોગનો ભોગ બનનારના હાડકા સાવ નબળા હોય છે અને જરા પણ દબાણ આવે તો હાડકુ તૂટી જાય છે.
નેક્સનને આ રીતે અત્યાર સુધીમાં ૧૫૦થી પણ વધુ ફ્રેક્ચર થયા છે, પરંતુ આવી સ્થિતિમાં પણ તેના પિતા ગુરુવિંદરસિંહે તેને ભણાવવામાં કોઈ કસર રાખી નથી. નેક્સનનું સતત ૨૪ કલાક ધ્યાન રાખવું પડે છે. આ વિદ્યાર્થી ઉર્મી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તે જ્યારે પાસ થયો ત્યારે સ્કૂલમાં પણ શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓએ તેના પરિણામની ઉજવણી કરી હતી.
ગુરુવિંદરસિંહ કહે છે કે તે ચાલી શકતો નથી, તેનું શરીરનું હલન ચલન ખૂબ મર્યાદીત છે.