વડોદરા: ગુજરાતના અત્યારના પોલીસ વડા અને વર્ષ ૧૯૮૨માં વડોદરા ખાતે ડીસીપી તરીકે ફરજ બજાવતા પી. સી. ઠાકુરે વડોદરામાં દાઉદ ઇબ્રાહિમને પકડ્યો હતો. વડોદરાની કોર્ટમાંથી જામીન મેળવ્યા પછી હજુ સુધી દાઉદ વડોદરાની કોર્ટમાં અત્યાર સુધી હાજર થયો નથી. આ કેસ પેન્ડિંગ છે અને દાઉદ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ગત વર્ષે જ રિન્યુ કરી ઈસ્યૂ કરાઈ હતી. ૧૧ જુલાઇ, ૧૯૮૨ના રોજ શહેરમાં મકરપુરા પાસે દાઉદ ઇબ્રાહિમ અને તેના હરીફ આલમઝેબ વચ્ચે ઝઘડો થયો હતો તે સમયે દાઉદે આલમઝેબ ઉપર ગોળીબાર કર્યો હતો. નિશાન નહીં લાગતા ગુસ્સે થયેલા દાઉદે પોતાની રિવોલ્વર પોતાના હાથ પર પછાડતા અકસ્માતે ગોળીબાર થયો હતો અને પોતે જ વિંધાતા રહી ગયો હતો. રિવોલ્વરની ગોળી ગળાના ભાગે ધસરકો પાડીને પસાર થઈ હતી.
ઇજાગ્રસ્ત દાઉદને વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલમાં ત્રણ દિવસ સારવાર પણ અપાઈ હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા દાઉદ ઇબ્રાહિમને મળવા તે સમયના મોટા માથાઓ આવ્યાં હતા. જે પૈકીના મોહમદ ચુનાવાલા, ચન્દ્રશેખર ગઢવી, નરેન્દ્ર બારિયા અને અનિરૂદ્ધ જાડેજા તરીકે ઉલ્લેખ કરાયો હતો. તેઓ પાસેથી ત્રણ રિવોલ્વર, બે પિસ્તોલ અને કેટલાક જીવતા કારતૂસ મળ્યા હતા.
ભાયલીમાં દુબઇવાસી મહિલાનાં રૂ. ત્રણ લાખ લૂંટાયાઃ વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર ૯ સપ્ટેમ્બરે સાંજે ૫ વાગે બે બુકાનીધારીએ આધેડ મહિલાના રૂ. ત્રણ લાખ ભરેલા પર્સની લૂંટ કરી હતી. દુબઇ રહેતા મનીષાબેન ઓડરાણી ગત ૨૦ ઓગસ્ટે વડોદરા આવ્યા હતા. તેમણે ભાયલી રોડ પર એક ફલેટ લીધો હોવાથી તેના નાણાં ચુકાવવા માટે તેઓ ભાણીયા નિખીલ સાથે બાઇક પર નિકળ્યા હતા. બ્રાઇટ સ્કુલ નજીક બે બુકાનીધારીએ નિખીલના બાઇકને ટક્કર મારી મનીષાબેનના હાથમાંથી ત્રણ લાખ ભરેલા પર્સની લૂંટ કરી હતી. પોલીસે લૂંટારુઓને શોધવા તપાસ કરી હતી.