વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાના પ્રસૃતિ ગૃહમાં ૧૬મીએ મોડી રાતે ૨૪ વર્ષની પ્રસૂતાએ ૫૨ મિનિટમાં ચાર બાળકોને જન્મ આપ્યો હતો. ડોક્ટર્સની ટીમ દ્વારા એક બાળકી અને ત્રણ બાળકોની નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. પ્રિ-મેચ્યોર ડિલિવરી હોવાથી ચારેય નવજાત શિશુઓનું વજન ઓછું હતું અને માટે ચારેયને આઈસીયુમાં કાચની પેટીઓમાં રખાયા હતા. એક શિશુને વેન્ટિલેટર પર રખાયું હતું.
સ્વામીનારાણય મંદિર વિસ્તારમાં રહેતા અબ્દુલ ગની મહમંદ ગુફરાનનાં પત્ની રૂક્સાર ગર્ભવતી બન્યા બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવતાં હતાં. ૨૪ વર્ષની રૂક્સાર ગુફરાનના ગર્ભમાં ચાર બાળકો હોવાથી ડોક્ટર્સ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી હતી.
પીડિયાટ્રીક વિભાગના પ્રોફેસર ડો. શિલાબહેન ઐયરે જણાવ્યું હતું કે, એક મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો છે. જેમાં બાળકીનું વજન ૧ કિ.ગ્રા, બે બાળકોનું ૧.૨૦૦ કિ.ગ્રા અને અન્ય એક બાળકનું વજન ૧.૧૦૦ કિ.ગ્રા છે.
સાતમાં મહિને રૂક્સાર ગુફરાનને સયાજી હોસ્પિટલમાં એક દિવસ અગાઉ દાખલ કરાઈ હતી. દરમિયાન તેમને લેબરપેઇન થતાં ૧૬મીએ મોડી રાતે પ્રસૂતિ માટે લેબર રૂમમાં લઈ જવાઈ હતી. ડોક્ટર્સની ટીમ દ્વારા રૂકશારની નોરમલ ડિલિવરી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી. ૫ લાખ મહિલાઓમાં એક મહિલા એક સાથે ચાર બાળકોને જન્મ આપવાનો દર છે. વડોદરાનો કદાચ આ પ્રથમ કિસ્સો છે. જોકે છેલ્લા ૫ વર્ષમાં તો આ પ્રથમ જ કિસ્સો હોવાનું તબીબોએ કહ્યું છે.
તબીબોએ જણાવ્યું કે પ્રથમ બાળક (બાળકી, પોઝિશન ઊંધી)નો જન્મ આસાનીથી થયો હતો અને તેને તુરંત જ નિયોનેટલ આઇસીયુમાં મોકલવામાં આવ્યું હતું. જોકે બીજું બાળક અવતરતાં વાર લાગી હતી. કારણ કે શક્યતઃ તે સહેજ વધુ ગર્ભમાં હતું. જોકે તેની પોઝિશન સીધી હતી. લગભગ ૩૬ મિનિટે બીજા બાળકનો જન્મ થયો હતો. એ પછી મિનિટોમાં જ ત્રીજું બાળક ફરી ઊંધુ જનમ્યું હતું અને છેલ્લે ચોથા બાળકે નોર્મલ પોઝિશનમાં જન્મ લીધો હતો. ચારેયને જન્મ સાથે જ નિઓનેટલ આઇસીયુમાં મોકલવામાં આવ્યાં હતાં.