વડોદરાઃ દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાણા અને સોજ્જા પારસીઓ સામે કોમના અસ્તિત્વ ઉપરાંત સૈકાઓથી પૂજાતી અગિયારીના અગ્નિને બુઝાતો બચાવવાની પણ મોટી સમસ્યા ઊભી થઇ છે. દસ્તુરના અભાવે ભરૂચમાં બે અગ્નિઓ બુઝાઈ જતાં હવે ૩૦૦ વર્ષથી પ્રજ્જ્વલિત અગ્નિને સલામત રાખવા મુંબઈ ખસેડવા પ્રયત્નો શરૂ કરાયા છે.
૧૯મી સદીના અંત સુધી ભરૂચમાં રહેતા ૨૦૦૦ પારસીઓની સંખ્યા આજે માત્ર ૧૧૭ છે. વેપાર રોજગાર માટે ભરૂચમાં સ્થાયી થયેલા પારસીઓની નવી પેઢીને ભરૂચમાં ખુલ્લી ગટરો અને ગંદકી વચ્ચે રહેવું પસંદ ન પડતાં મોટાભાગના પારસીઓ ન્યુઝિલેન્ડ અને મુંબઈમાં વિસ્થાપિત થયા છે. આજે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા પારસીઓ ભરૂચમાં રહે છે.
પારસી નિયમ મુજબ અગિયારીની પવિત્ર અગ્નિને સ્પર્શવાનો અધિકાર માત્ર દસ્તુરને હોય છે. દસ્તુરના અભાવ અને સમાજના વિસ્થાપન સહિતના કારણોસર ભરૂચમાં ખલાસીવાડ અને જમશેદજી અગિયારીનો પવિત્ર અગ્નિ બુઝાઈ ગયો છે. હવે ભરૂચમાં માત્ર ૪ અગિયારી છે અને તેમાં પેસ્તનજી અસલજી ડુંગાજી અગિયારી પણ અસ્તિવનો જંગ લડી રહી છે.
આ અગિયારી આસપાસ રહેતા તમામ પારસીઓ વિસ્થાપન કરી ગયા છે જ્યારે ભરૂચ શહેરથી અગિયારી સુધી પહોંચવાનો માર્ગ અત્યંત સાંકડો, વ્યસ્ત અને ગંદકીભર્યો હોવાથી માત્ર બે - ત્રણ પારસીઓ સિવાય કોઈ ખાસ અગિયારીમાં જતું નથી. આ અગિયારીનો પવિત્ર અગ્નિ ૩૦૦ વર્ષથી પ્રજ્જ્વલિત છે. અગ્નિ બુઝાય તે પૂર્વે તેને મુંબઈના વાસી સ્થિત અગિયારીમાં ખસેડવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
પહેલાં ૮૦૦ પારસીઓ આવતાં, અત્યારે બે જ આવે છે
આતશને નવી મુંબઈના વાસીમાં બની રહેલી નવી અગિયારીમાં ખસેડવાની તૈયારી ચાલે છે તથા પવિત્ર અગ્નિનું માન-સન્માન સાથે સ્થળાંતર કરવા દસ્તૂર પાસે માર્ગદર્શન લીધું હોવાનું પારસી અંજુમન સભ્ય એરિક કેરાવાલ જણાવે છે. તેઓ વધુમાં કહે છે કે, ભરૂચમાં પારસીઓની વસતી ૧૦ વર્ષ પહેલાં ૨૦૦૦ હતી ત્યારે અહીં ૮૦૦ લોકો આ અગિયારીમાં આવતા હતા. અત્યારે ૧૦ કુટુંબ છે અને માત્ર બે સભ્યો નિયિમત આવી શકે છે. સભ્યો જ ના હોય આતશની જાળવણી મુશ્કેલ બની છે.