વડોદરા: શહેરના સમા વિસ્તારના સોની પરિવારના બહુચર્ચિત સામુહિક આપઘાત કેસમાં ઘરમાંથી ગુપ્ત ધન કાઢવાની વિધિના નામે પરિવાર પાસેથી રૂ. ૩૨.૮૫ લાખ પડાવનાર ૯ પૈકીના બે લેભાગુ જ્યોતિષીને સમા પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા છે. ભાવિન સોનીએ આપેલા નિવેદનમાં નવ જ્યોતિષીના નામનો ઉલ્લેખ કર્યો હતો, જે પૈકીના ગજેન્દ્રને મૃત જાહેર કરાયો હતો. જોકે પોલીસે તલસ્પર્શી તપાસ કરી સોની પરિવાર પાસેથી રૂ. ૪ લાખ પડાવનાર મૃત જાહેર કરાયેલો ગજેન્દ્ર જીવતો ઝડપી લીધો છે.
ગત ત્રીજી તારીખે સમામાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની અને તેમના પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, અને છમાંથી પાંચ જણાએ જીવ ગુમાવ્યા હતા. જેમાં મૃત્યુ પૂર્વે પુત્ર ભાવિન સોનીએ આપેલા નિવેદનના આધારે ૯ જયોતિષીઓ સામે ઘરમાંથી ગુપ્ત ધન કાઢવાના વિધિના નામે રૂ. ૩૨.૮૫ લાખ પડાવ્યા હોવાનું સપાટી પર આવ્યું હતું. વડોદરા પોલીસે વિવિધ ટીમોને રાજસ્થાન મોકલીને લેભાગુ જ્યોતિષીઓ ગજેન્દ્ર ભાર્ગવ અને સીતારામ ઉર્ફે સાહિલ ભાર્ગવને ઝડપી લીધા હતા.