અમદાવાદઃ લોકડાઉનના લીધે અનેક લોકો વિવિધ સ્થળો પર ફસાયેલા છે. જેના લીધે તેઓ તેમના સ્વજનોથી વિખૂટા પડી ગયા છે આવો જ એક કિસ્સો વડોદરામાં જોવા મળ્યો છે. જેમાં છ વર્ષની બાળકી તેની માતાથી વખૂટી પડી ગઈ હતી.
સ્થાનિક નેતા અને ધારાસભ્યનો પ્રયાસ
સ્થાનિક નેતા અને મહિલા ધારાસભ્યના પ્રયાસના લીધે આખરે લોકડાઉનના ૪૦ દિવસ બાદ, આ વિખૂટા પડી ગયેલા મા અને દીકરીનું પુનઃ મિલન થયું હોવાનું ૩જી મેએ જાણવા મળ્યું હતું. મા અને પુત્રીનાં મિલનના હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં.
અમદાવાદના નિકોલ એસપી રિંગરોડ નજીક હેતા સપનાબહેન અને વડોદરાના જીજ્ઞેશ પટેલના થોડા વર્ષો પહેલાં લગ્ન થયાં હતાં. આ લગ્નના પરિણામ સ્વરૂપે આ દંપતીને રાધિકા નામની દીકરીનો જન્મ થયો હતો. જોકે દંપતી વચ્ચે ખટરાગના લીધે છૂટાછેડા થયા હતા. કોર્ટના હૂકમ બાદ પિતા તેની દીકરીને સપ્તાહમાં બે દિવસ મળી શકતા હતા. લોકડાઉનના અમલના પહેલા રાધિકાના પિતા તેને તેના ઘરે લઈ ગયા હતા, પરંતુ લોકડાઉનના કારણે રાધિકાને તેના પિતા પાસે રહેવું પડ્યું હતું.
બીજી તરફ દીકરીની માતા સપનાબહેન તેની દીકરી વગર અત્યંત બેબાકળા બની ગયા હતા. સપનાબહેને દીકરીને પોતાની પાસે પરત લાવવા માટે સોશિયલ મીડિયા પર આજીજીભરી પોસ્ટ પણ મૂકી દીધી હતી. આ પોસ્ટને ભાજપના યુવા મોરચાના પૂર્વ અગ્રણી ડો. નીલમ પટેલે વાંચી હતી અને એ પછી તેમણે સપનાબહેન અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી. સપનાબહેન અંગે સંપૂર્ણ માહિતી મેળવી લીધા પછી વડોદરાના ધારાસભ્ય મનીષાબહેન વકીલના સહયોગથી તેમને આ પ્રશ્ન ઉકેલવામાં સફળતા મળી હતી. આ માટે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહનો સંપર્ક કરીને અમદાવાદથી પાસની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.