નડિયાદઃ ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર સૌથી વધારે લોકોએ સૌથી મોટા પ્રમાણમાં વર્ષીતપની ઉજવણી ૧૮મી એપ્રિલે નડિયાદમાં કરી હતી. ફાગણ વદ આઠમથી શરૂ થયેલા અને અખાત્રીજના દિવસે આ ૪૦૦ દિવસના તપ પૂરા થયા હતા. એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે બયાસણ એમ કરી ૪૦૦ દિવસના આ તપમાં નડિયાદના ૨૬૨ જેટલા તપસ્વીઓએે જૈન ધર્મના પૂ.આચાર્ય મહાબોધીસુરીશ્વરજી મ.સા,પૂ.યશ કલ્યાણ મ.સા, પૂ.પદ્મબોધી સુરીશ્વરજી મ.સા, પૂ.તીર્થપ્રેમ મ.સા. સહિતના ૩૫થી વધુ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઉપવાસ છોડ્યા હતા.
અખાત્રીજે વહેલી સવારે આ ૩૫થી વધુ સાધુ અને સાધ્વી ભગવંતોએ શેરડીનો રસ વહોર્યો એટલે કે મેળવ્યો હતો. ત્યારબાદ તપસ્વી જો ભાઈ હોય તો તેમની બહેન અને બહેન હોય તો તેમના ભાઈ અથવા કોઈ પણ સ્વજન દ્વારા ચાંદીના કળશમાં ૧૦૮ વાર શેરડી રસ પીવડાવી પારણાં કરાવ્યા હતા. કુલ ૫૫૦ કિલો શેરડીના રસથી પારણા થયાનું એક જૈનબંધુ દ્વારા જાણવા મળ્યું હતું.