વડોદરાઃ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સરસવા ગામના એક અભણ આદિવાસી પૌઢને અનોખી કુદરતી બક્ષીસ મળી છે. સવજીભાઇ રાઠવાને કુદરતી રીતે ૪૯ ફૂટ લાંબા વાળ છે જેને તે પોતાની જટા તરીકે ઓળખાવે છે. સવજીભાઇ ગામમાં ખેતી કરે છે અને તેઓ સ્થાનિકોમાં ‘બડવા’ તરીકે પણ જાણીતા છે. તેઓ આજુબાજુના ગામમાં બડવા તરીકેની કામગીરી માટે પણ જાય છે. આ સિવાય તેઓ બહાર જાય તો ત્યાં કંઇ પણ ખોરાક લેતા નથી. જો લાંબા અંતરે જવાનું થાય તો પણ તેઓ આહારમાં માત્ર કેળા અને પાણી લે છે. સવજીભાઇના પરિવારમાં બે દીકરા, પુત્રવધૂઓ અને તેના ત્રણ પૌત્રો છે. સવજીભાઇ અભણ હોવા છતાં પોતાના વાળની ખૂબ સરસ માવજત કરે છે. તેઓ દર ત્રણ-ચાર દિવસે વાળને શેમ્પુથી ધોવે છે અને તેને સૂકવવા માટે એક સ્થળે તાપમાં મૂકી પોતે છાંયામાં આરામ કરે છે. ભૂતકાળમાં પણ તેમને આવી બે જટાઓ હતી જે અત્યારે ખરી ગઇ છે. તે પોતે આટલી લાંબી જટાનું વજન માથે સાફાની જેમ વીટાળીને ફરે છે તો ક્યારેક ગરમીમાં હાથમાં જટા રાખી ફરે છે ત્યારે તેમના ત્રણ પૌત્રોને અને અન્ય લોકોને કૌતુક લાગે છે.