વડોદરા: અંકલેશ્વરના ૬૮ વર્ષીય વર અને મુંબઈનાં ૬૫ વર્ષીય વધૂએ તાજેતરમાં લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવાનો વિચાર બાળકો સામે મૂક્યો તો બાળકોએ વિચારને ખુશીથી અપનાવ્યો હતો. અંકલેશ્વરમાં રહેતા હરીશભાઈ પટેલ (૬૮)એ જણાવ્યું કે, તેઓ ટિમ્બરનો વ્યવસાય કરે છે. જ્યારે તેમની પત્ની ૭ મહિના પહેલાં બીમારીને કારણે ગુજરી જતાં તેઓ એકલતા અનુભવતા હતા.
તેઓ અનુબંધ ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા અને સંસ્થાને જીવનસાથી શોધી આપવા જણાવ્યું હતું. બીજી તરફ, મુંબઈમાં રહેતાં જ્યોત્સ્નાબહેન જૈન (૬૫)ની બે દીકરી અને એક દીકરાનાં લગ્ન થઈ ગયાં છે. જ્યોત્સ્નાબહેનનાં પતિ ગુજરી ગયા હોવાથી તે એકલતા અનુભવતાં હતાં. ગત વર્ષે તેઓએ મુંબઈમાં અનુબંધ ફાઉન્ડેશનનો કાર્યક્રમ જોયો હતો અને ત્યાંથી ફરીથી લગ્નનો વિચાર આવ્યો હતો. આ વિચાર તેમણે તાજેતરમાં ખુશીથી અમલમાં મૂક્યો હતો.
અનુબંધ ફાઉન્ડેશનના નટુભાઈ પટેલે જણાવ્યું કે, ગત મહિને સુરતમાં જ્યોત્સ્નાબહેન અને હરીશભાઈ વચ્ચે મીટિંગ કરાવાઈ હતી, જેમાં બંને લગ્ન કરવા રાજી થયાં હતાં. જ્યારે જ્યોત્સ્નાબહેનનાં બાળકોએ હરીશભાઈ સાથે મીટિંગ કરી હતી. એ પછી તાજતેરમાં ૧૩મી ડિસેમ્બરે સાદાઈથી લગ્ન થયાં હતાં. હરીશભાઇએ જ્યોત્સ્નાબહેનના પસંદનો એક ફ્લેટ તાત્કાલિક વડોદરાના ગોત્રીમાં બુક કરાવી તેમાં સમગ્ર ફર્નિચર અને તમામ સાધન-સામગ્રી નવી જ વસાવી છે. લગ્ન પછી દંપતી ફરવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગયું હતું.