વડોદરા: ચાર દરવાજા વિસ્તારમાં રહેતો ૬૦ વર્ષીય પુત્ર ૭૮ વર્ષની માતાને ૧૦ વર્ષથી વ્હીલચેરમાં બેસાડીને વડોદરાથી ૫૦૦ કિમી દૂર દ્વારકા પગપાળા લઈ જાય છે. ઉપરાંત વડોદરાથી ૫૦ કિ.મી. દૂર ડાકોરમાં રાજા રણછોડરાયના વર્ષમાં એક વખત પગપાળા દર્શન કરવા લઇ જાય છે. માંડવી-ચાંપાનેર રોડ પર મહેતા પોળમાં ખરાદીની ખડકીમાં ૬૦ વર્ષીય સચિન રામચંદ્ર ખરાડી ૭૮ વર્ષની માતા જયેન્દ્રાબહેન સાથે જ રહે છે. સચિનભાઈ ૨૦૧૧થી માતાને વ્હીલચેરમાં બેસાડી વડોદરાથી દ્વારકામાં બિરાજમાન દ્વારકાધીશનાં દર્શન કરવા વ્હીલચેરમાં બેસાડીને પોતે પગપાળા ચાલતા લઈ જાય છે. દ્વારકા પહોંચતાં તેમને ૨૫ દિવસ લાગે છે. ચાલુ વર્ષે તેઓ મહા માસમાં ફરી માતાને લઈ દ્વારકાની વાટ પકડશે.
મારા સિવાય કોઈ નહીંઃ પુત્ર
સચિન ખરાડીએ જણાવ્યું કે, મારા જીવનમાં મારી માતા સિવાય બીજું કોઈ નથી. મારી માતા પહેલાં પગપાળા સંઘોમાં ડાકોર અને દ્વારકા જતી હતી ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે, હું માતાને દ્વારકા અને ડાકોર જાતે લઈ જઈશ અને તેમને દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રાજા રણછોડરાયનાં દર્શન કરાવીશ.
માતાને વ્હીલચેરમાં વડોદરામાં કલ્યાણ રાયજી મંદિર, પાણીગેટ આવેલું રણછોડરાયજી મંદિર, સેવાસી આવેલા આશાપુરી માતા અને માંડવી આવેલા વિઠ્ઠલનાથજીનાં દર્શન કરવા માટે પૂનમ અને એકાદશીના દિવસે લઈ જઉં છું.
સચિન જેવો પુત્ર મેળવી ધન્યઃ માતા
પુત્રની માતૃભક્તિથી વિશે માતા જયેન્દ્રાબહેને જણાવ્યું કે, મને સચિન જેવો પુત્ર મળ્યો એટલે મારું જીવન ધન્ય થઇ ગયું છે. મારા પુત્રે મને ભલે વૈભવી સુખ આપ્યું નથી, પરંતુ મને એનો રંજ નથી. સુખ-વૈભવ કરતાં મારો પુત્ર દર વર્ષે મહામાં મને દ્વારકાધીશના અને ચૈત્રમાં પૂનમના દિવસે રાજા રણછોડનાં દર્શન કરાવીને જે સુખ અપાવે છે તેના કરતાં વધુ બીજું કોઈ સુખ નથી. મારો પુત્ર સચિન ખરેખર મારા માટે શ્રવણથી ઓછો નથી.