વડોદરા: રાજ્યમાં પ્રથમ વખત વડોદરાની એનજીઓએ પાણીને સ્વચ્છ કરે તેવી ૮ હજાર કિલો ફટકડીથી ગણેશજીની ૪૦૦ મૂર્તિઓનું નિર્માણ કરાવ્યું છે. આ ૪૦૦ ફટકડીની મૂર્તિઓને વિસર્જનના દિવસે ગોરવા દશામાના તળાવમાં વિસર્જિત કરી તેનું ૫ લાખ લીટર પાણી પીવાલાયક થાય તેટલું શુદ્ધ બનાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે. એનજીઓ દ્વારા ૨૦૦ મૂર્તિઓને ગણેશ યુવક મંડળો અને દશામા તળાવની આસપાસ રહેતા ગરીબ લોકોને નિઃશુલ્ક અપાશે. જ્યારે અન્ય ૨૦૦ મૂર્તિઓનું વેચાણ કરાશે.
એનજીઓ ‘ફિડિંગ વડોદરા’ના સંચાલક વિશાલ સોનીએ વધુમાં જણાવ્યું કે, શહેરમાં મોટા સ્વિમિંગ પુલનું પાણી સ્વચ્છ કરવા માટે ફટકડી અને ક્લોરિન વાપરવામાં આવે છે. આ પ્રયોગ જોઈને અમે ગોરવાના દશામાના તળાવમાંથી ૧ લીટર પાણી લઈને તેમાં ૫૦ ગ્રામ ફટકડી નાખતાં પાણી પીવાલાયક થાય તેટલું શુદ્ધ થઈ ગયું હતું. આ પ્રયોગને અમલમાં લાવવા આ વખતે ફટકડીનાં ગણપતિ બાપા બનાવવાનું આયોજન કરાયું છે. પીઓપી અને માટીની ગણેશજીની મૂર્તિ ૧ હજારથી લઈને ૩ હજાર સુધીની વેચાતી હોય છે. ત્યારે ફટકડીની ૧ ફૂટની મૂર્તિ માત્ર રૂ. ૧૦૫માં બનીને તૈયાર થતી હોય છે. એનજીઓ દ્વારા જે ૨૦૦ મૂર્તિઓનું વેચાણ થશે, તેનો ભાવ રૂ. ૧૦૫ રાખવામાં આવ્યો છે.
ફટકડીનો સાર્થક ઉપયોગ
ફટકડીનો ઉપયોગ દૂષિત પાણીને સાફ કરી તેને પીવાલાયક બનાવવા થાય છે. ફટકડીને પાણીમાં નાખવાથી માટી તેમજ અન્ય કચરો તળિયે બેસી જાય છે, જેનાથી પાણી સ્વચ્છ થઈ જતું હોય છે.