નડિયાદ: સુપ્રસિદ્વ યાત્રાધામ ડાકોરમાં પૂનમનો અનોખો મહિમા છે. પૂનમના દર્શન માટે અમદાવાદ, વડોદરા સહિતના રાજ્યભરમાંથી અઢીની ત્રણ લાખ યાત્રાળુઓ પગપાળા પહોંચતા હોય છે. જોકે આ વખતે ફાગણી પૂનમના દર્શન ઠાકોરજીના ભક્તોને ઘરે બેઠા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ખેડા કલેક્ટરે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી ફાગણી પૂનમના ત્રણ દિવસ મંદિર બંધ રાખવા આદેશ કર્યો છે. જે ડાકોર મંદિરના ૮૬૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખતનો બનાવ હશે.
ફાગણી પૂનમ નિમિત્તે ડાકોર રણછોડરાય મંદિરે દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા અંગે ખેડા કલેક્ટર આઇ.કે. પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટ તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ ડાકોર ટેમ્પલની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ કલેક્ટરે જણાવ્યું હતું કે હાલની કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી ડાકોર ખાતે યોજાનારો ફાગણી પૂનમનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે.
ત્રણ દિવસમાં ૧૦ લાખ દર્શનાર્થી
ગત વર્ષે કોરોના સંક્રમણની શરૂઆતમાં હોવા છતાં ભક્તોની આશા ડગી નહોતી. ફાગણી પૂનમના મેળામાં દસ લાખ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. અને જય રણછોડના જયઘોષ અને ભજનોથી વાતાવરણ સતત ગુંજતું રહ્યું હતું. મંદિરના ઘુમ્મટથી લઇ બહારના રસ્તાઓ સુધી, જ્યાં નજર કરો ત્યાં બસ યાત્રિકોની જ ભીડ જામી હતી.
બંધ બારણે મંદિરમાં પૂજાવિધિ
ડાકોર મંદિર ફાગણી પૂનમના ત્રણ દિવસ દરમિયાન દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ ત્રણ દિવસ દરમિયાન ડાકોર ટેમ્પલ કમિટીના સેવકો પૂજા દ્વારા રાજા રણછોડરાયજીની નિયમિત પૂજાવિધિ કરવામાં આવશે.