વડોદરાઃ સિદ્ધહસ્ત લેખિકા અને સ્ત્રી સશક્તિકરણના કાર્યકર મીરાંબહેન ભટ્ટનું ૮૪ વર્ષની વયે વડોદરામાં ચોથી નવેમ્બરે નિધન થયું હતું. કેન્સરની બીમારીનો ભોગ બનેલા લેખિકાએ જીવનની છેલ્લી ઘડી સુધી હાથમાંથી કલમ છોડી ન હતી. વડોદરાની રાજસ્તંભ સોસાયટીમાં રહેતાં મીરાંબહેનને લગભગ બે મહિના અગાઉ કેન્સર થયું હોવાની જાણ થઇ હતી. લાસ્ટ સ્ટેજમાં કેન્સર હોવાની તબીબોએ જાણકારી આપી હોવા છતાં તેમણે ‘છેવટના આકરાં ચઢાણ’ના ટાઇટલ સાથે એક લેખ લખ્યો હતો. મીરાંબહેને અત્યાર સુધીમાં લગભગ સાઇઠ પુસ્તકો લખ્યાં હતાં. વીસ જેટલાં પુસ્તકોના અનુવાદ પણ તેમને કર્યા હતા. આ ઉપરાંત ભૂમિપુત્ર સંપાદક મંડળમાં તેઓ સતત સક્રિય હતા.
અરુણદાદા અને મીરાંબહેનની વાત આવે ત્યારે તેમના આસપાસમાં રહેતા રહીશોના જણાવ્યા મુજબ ૨૦૦૫માં જ્યારે વડોદરામાં પૂર આવ્યું ત્યારે રાજસ્તંભ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા. તેમના મકાનમાં પણ પૂરના પાણી હતાં. મીરાંબહેને તેવા સંજોગોમાં પણ પૂરના પાણીમાં ઘરમાં બેઠા બેઠા લખવાનું ચાલુ રાખ્યું હતું. તેમને પૂરના પાણીમાંથી બહાર કાઢવા માટે બોટની મદદ લેવાની ફરજ પડી હતી.
વિનોબા ભાવેના પથ પર સતત ચાલતાં રહેલાં મીરાંબહેને વિનોબા ભાવે માટે પણ પુસ્તક લખ્યાં હતાં. એક દીકરો અને એક દીકરીના પરિવાર સાથે છેલ્લા કેટલાક સમયથી તેઓ ભાવનગરથી વડોદરા આવ્યાં હતાં.