વડોદરાઃ પદ્મશ્રી લૈલા તૈયબજીએ તાજેતરમાં ભારતીય હસ્તકળા ઉદ્યોગ વિશે ચિંતા વ્યક્ત કરતાં વડોદરામાં કહ્યું હતું કે, ચીન ફક્ત ભારતની જમીન પર જ ડોળો માંડીને બેઠું છે એવું નથી, પણ તે ભારતની હસ્તકળાઓ પર પણ કબજો જમાવી રહ્યું છે. શું તમે જાણો છો કે ભારતમાં મહિલાઓ જે બિંદી લગાવે છે એ ક્યાંથી આવે છે? આ બિંદી ભારતમાં નથી બનતી પણ હવે તેના પર મેઈડ ઈન ચાઈનાનો ટેગ લાગીને ચીનથી આવે છે. ૭૨ વર્ષીય લૈલા તૈયબજી ૩૯ વર્ષથી ભારતની પરંપરાગત હસ્તકળાને બચાવવા મેદાને પડ્યાં છે. લૈલા ડિઝાઈનર અને પ્રિન્ટ મેકિંગ આર્ટિસ્ટ છે. તેઓ કહે છે કે ભારતમાં બે કરોડ જેટલાં હસ્તકળા કારીગરો છે. હસ્તકળા એ ખેતી પછીનું સૌથી વિશાળ ક્ષેત્ર છે. તેમ છતાં અત્યાર સુધીની તમામ સરકારો આ ક્ષેત્ર પ્રત્યે ઉદાસ રહી છે અથવા આ ક્ષેત્રનું મહત્ત્વ જ નથી સમજાયું. નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે તેઓએ સ્કીલ ઈન્ડિયાની વાત કરી હતી. અમને આશા હતી કે દેશના પરંપરાગત હસ્તકળાના કારીગરોની વાત હવે કોઈ સાંભળશે, પરંતુ નરેન્દ્ર મોદી પાસેથી પણ નિરાશા જ મળી.
આપણે ત્યાં હસ્તકળાને ઉદ્યોગ તરીકે સમજવામાં જ નથી આવ્યો. કોઈ કારીગર બેંક પાસે લોન લેવા જાય તો તેને બેંક લોન નથી આપતી. ગરીબ કારીગર તેના ધંધાનો વિકાસ કઈ રીતે કરે? બીજી તરફ સ્થિતિ એવી છે કે આપણા કુશળ કારીગરોને ચીન તેમને ત્યાં લઈ જાય છે. તેમની પાસે ત્યાંના કારીગરો આપણી હસ્તકળા શીખી ગયા છે અને હવે આપણી હસ્તકળાની પ્રોડ્ક્ટ ચીનમાંથી ભારતમાં આવે છે અને વેચાય છે.
કાંજીવરમ સાડી, બિંદી, બંગડીઓ, કોલ્હાપુરી ચંપલ, એમ્બ્રોડરી આ બધું જ હવે મેડ ઈન ચાઈનાના ટેગ સાથે ભારતમાં વેચાઈ રહ્યું છે અને આપણી સરકાર આ બાબતે બેખબર છે.