કેવડિયા કોલોનીઃ જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં રાજપીપળાના જોશી પરિવારના સભ્યો માંડ માંડ બચ્યા હતા. આ પરિવારે એક સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી ભાગદોડને કારણે લોકો જીવ બચાવવા થાંભલા પર ચડી ગયા હતા.
રાજપીપળાનો જોષી પરિવાર ૨૩ ડિસેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીર ફરવા ગયો હતો. ૩૧મીની મધરાતે જ્યારે વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી તે સમયે જોશી પરિવાર પણ ત્યાં જ હતો. રાજપીપળાના સુભાષભાઈ જોશી (૬૩), હેમલતાબેન જોશી (૫૫), પાર્થ સુભાષભાઈ જોશી (૨૯), મનાલીબેન પાર્થ જોશી (૨૫), ઐશ્રી પાર્થ જોશી (૨) તથા તથા શૌર્ય દર્શન જોશી (૯) મંદિરમાં થયેલી ભાગદોડ વચ્ચે ફસાઇ ગયા હતા. જેથી પરિવારજનો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. જોકે, તેઓ મહામુસીબતે જમ્મુના કટારા પહોંચ્યા હતા. જોકે જોશી પરિવાર સુરક્ષિત હોવાની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી મળતાં તેમના સ્વજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મનાલી જોશીએ જણાવ્યું હતું કે, અમે નવ વાગ્યે યાત્રા શરૂ કરી હતી અને લગભગ અઢી વાગ્યે પહોંચ્યા હતા. અચાનક પાછળથી એક ટોળું આવ્યું જેણે ભારે અવ્યવસ્થા કરી નાખી હતી, જેમાં જાનહાનિ થઈ હતી. અમે પરિવાર સાથે હતા, પરંતુ કેટલાક વિખૂટા પડી ગયા હતા. એનાઉન્સમેન્ટ બાદ એક કલાકે ભેગા મળ્યા હતા. લોકો જીવ બચાવવા માટે થાંભલા પર ચડી ગયા હતા. પાર્થ જોશીએ જણાવ્યું હતું શું થયું તે ખબર જ ન પડી! અચાનક અફરાતફરી મચી ગઈ હતી.