ગુજરાતના અનોખા આખ્યાન કવિ અને ભારતીય મધ્યકાલીન મહાકવિ પ્રેમાનંદની સ્મૃતિમાં આયોજિત પ્રેમાનંદ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે એમ.એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે ભાવિ પેઢીને લક્ષ્યમાં લઈને જણાવ્યું હતું કે, તેમનામાં એક એવી ભાવના ઊભી થવી જરૂરી છે કે, તેઓ જે શહેરમાં વસે છે તે શહેરની ઓળખ તેમના નામની સાથે જોડાવવી જોઈએ. લોર્ડ પારેખે વધુમાં કહ્યું હતું કે, ‘પ્રેમાનંદનું વડોદરું’ વડોદરાની ખરેખર ઓળખ શું છે? અમદાવાદ હોય કે સુરત, તેનો એક અલગ ઇતિહાસ તેની ઓળખ છે. વડોદરાની ઓળખ વ્યક્તિ નિર્ભર છે. વડોદરા મહર્ષિ અરવિંદ, સયાજીરાવ ગાયકવાડ, કનૈયાલાલ મુનશીથી લઈને પ્રેમાનંદના નામથી ઓળખાયું છે. આખ્યાનથી વ્યાખ્યાન સધી તેમની સંસ્કૃતિ પથરાયેલી છે. આ એક સહિયારુ સામૂહિક ધન છે.
નર્મદા નદી પર રાજ્યનો સૌથી મોટો કેબલ બ્રિજ બનશેઃ ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી છે. દેશના અતિવ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે નંબર આઠ પર વર્ષોની માંગ બાદ અત્યારે એલ.એન્ડીટી. કંપની દ્વારા નિર્માણ થનાર બ્રિજ રાજ્યનો સૌપ્રથમ કેબલ બ્રિજ હોવાની સાથે દેશનો સૌથી પહોળો કેબલ બ્રિજ પણ હશે. ઓગસ્ટ-૨૦૧૬માં બ્રિજનું નિર્માણ પૂરું થયા પછી ટ્રાફિકની મુશ્કેલી હળવી બનશે.
વિશ્વામિત્રીના કાંઠે ક્રોકોડાઈલ પાર્ક બનાવવાનું આયોજનઃ વડોદરાવાસીઓને દર ચોમાસે મગરની સમસ્યા સતાવે છે. જો વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તો શહેરમાં પાણીની સાથે મગરો પણ ઘરમાં ઘુસી જાય છે તેવી અનેક ઘટના બની છે. ગત ચોમાસામાં ઘણા સ્થળે મગર ઘુસી ગયાના બનાવો નોંધાયા હતાં. આ મુશ્કેલી નિવારવા રાજ્ય સરકારે ક્રોકોડાઈલ પાર્ક બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. આ અંગે વડોદરાના ધારાસભ્ય અને નાણા પ્રધાન સૌરભ પટેલ અને મહેસુલી અધિકારી વચ્ચે બેઠક યોજાઈ હતી. જ્યારે પણ શહેરમાંથી મગર પકડાય ત્યારે તેને ફરી નદીમાં છોડવાના બદલે આ પાર્કમાં છોડાશે. અત્યાર સુધી શહેરમાંથી જે મગર પકડાય છે તેને પકડીને ફરી નદીમાં જ છોડવામાં આવે છે.
બાકરોલના જિનાલયમાં એક નજરે ૫૦૦ પ્રતિમાના દર્શન થશેઃ જૈનધર્મના ઇતિહાસમાં પ્રથમવાર એક નજરે ૫૦૦ પ્રતિમા દેખાય તેવા જિનાલય ‘ભુવનભાનુ શાંતિધામ’નું નિર્માણ ધોળકાના બાકરોલમાં થઇ રહ્યું છે. તેનો પ્રતિષ્ઠા મહોત્સવ એપ્રિલમાં યોજાશે, જેમાં ૫૦૦ પ્રતિમાની પધરામણી ગચ્છાધિપતિ જયઘોષ-સૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં થશે. ઉપાધ્યાય વિમલસેન મ.સા. અને પંન્યાસ નંદિભૂષણ મ.સા. દ્વારા શાસ્ત્રોનો અભ્યાસ કરી જિનાલયનું નિર્માણ કરાયું છે. આ પ્રકારનું જિનાલય સમગ્ર રાજ્યમાં ક્યાંય નથી. જિનાલયના આગેવાન સની શાહે જણાવ્યું કે, જિનાલયનું ખાતમુહૂર્ત ગત મે મહિનામાં ગચ્છાધિપતિ જયઘોષસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં કરાયા બાદ માત્ર આઠ માસમાં બાંધકામ પૂર્ણ કરાયું છે. જિનાલય માટે ૧૫ ઇંચથી લઇને ૫૧ ઇંચ સુધીની વિવિધ પ્રતિમા બનાવવામાં આવી છે.