વડોદરાઃ શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર અને કુંડળધામ દ્વારા આયોજિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીના વક્તાપદે યોજાયેલી ‘શ્રીહરિ-ચરિત્રામૃત સાગર કથા’ ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ અર્થાત્ ૨૩૩૨ દિવસ ચાલી હતી. આ સાગર કથાની ઓડિયો બુકને તાજેતરમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે ‘લોંગેસ્ટ ઓડિયો બુક’ના ટાઇટલથી નવાજી છે.
કુંડળધામમાં યોજાયેલી આ ‘શ્રીહરિચરિત્રામૃત સાગર કથા’નો પ્રારંભ ૧૦ જૂન ૨૦૧૧ના રોજ થયો હતો અને પૂર્ણાહુતિ ૨૬ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ થઈ હતી. વિશ્વભરના હરિભક્તોએ ઓનલાઇન રસપાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સદ્ગુરુશ્રી આધારાનંદ સ્વામી રચિત ‘શ્રીહરિચરિત્રામૃત સાગર કથા’ ભગવાન શ્રીસ્વામિનારાયણનાં જીવનચરિત્રો ધરાવતો હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ ૨૯ પૂર, ૨૪૦૯ તરંગ અને ૧,૦૨,૫૬૪ દોહા-સોરઠા-ચોપાઇઓ છે. આ વિરાટ ગ્રંથની કથા એટલે ‘સાગર કથા.’ કુંડળધામમાં જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ૧૦ જૂન ૨૦૧૧ના રોજ ‘સાગર કથા’નો પ્રારંભ કર્યો હતો. ગ્રંથની ૧થી ૨૦ પૂર સુધી કથાનો લાભ પૂ. જ્ઞાનજીવન-દાસજીએ આપ્યો હતો. બાકી ૯ પૂરની કથાનો લાભ ઈશ્વરચરણ-દાસજી સ્વામીએ આપ્યો હતો. દેશ-વિદેશમાં લાઇવ બ્રોડકાસ્ટ થતી કથાથી હજારોના જીવનમાં સમજણ, સંસ્કાર અને સદ્ગુણ સિંચનનું અદ્ભુત કામ થયું છે.
ઓક્ટોબર ૨૦૧૭માં કુંડળધામમાં યોજાયેલા ભવ્ય ‘સાગર મહોત્સવ’માં આ કથાની પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે ૨૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ‘શ્રીહરિચરિત્રામૃત સાગર કથા’ ઓડિયો બુકનું વિમોચન કરાયું હતું. ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ અર્થાત્ ૨૩૩૨ દિવસ સુધી કોઇ એક જ ગ્રંથ ઉપર આટલો લાંબા સમય કથા થઇ હોય અને તેનું લાઇવ ટેલિકાસ્ટ થયું હોય તેવી દુનિયાની આ પ્રથમ ઘટના હતી. આ આ અદ્ભુત કાર્યની ઓડિયો બુક તૈયાર કરાઇ છે, જેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે અનોખું સન્માન આપ્યું છે. ભગવાન શ્રીસ્વામિ-નારાયણનાં જીવનચરિત્રો અને ઉપદેશોને પ્રોત્સાહિત કરવા અને અને જનકલ્યાણના હેતુથી આ વિક્રમ સર્જવામાં આવ્યો છે.