ભાદરણ ગામના સુઆયોજિત વિકાસને વેગ આપવા અને આ માટે આવશ્યક સુચનો મેળવવાના ઉમદા ઉદ્દેશથી ‘ભાદરણ પત્રિકા’ સંકુલ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ભાદરણના વતની અને હાલ અમેરિકાના લેકલેન્ડ (ફ્લોરિડા)માં વસતા ચન્દ્રવદનભાઇ પટેલ (વદન કાપડીઆ)ના જણાવ્યા પ્રમાણે, સ્પર્ધાના ભાગરૂપે વ્યક્તિએ ‘હું ભાદરણનો સરપંચ થાઉં તો...’ વિષયને કેન્દ્રમાં રાખીને આશરે ૩૫૦ શબ્દોમાં એક નિબંધ લખીને મોકલી આપવાનો રહેશે. સ્પર્ધામાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે વય અને અભ્યાસ આધારિત બે કેટેગરી છે જ્યારે ત્રીજી ઓપન કેટેગરી ભાદરણના વતનીઓ માટે છે. ભાદરણની બહાર - દેશમાં કે વિદેશમાં - વસતાં ભાદરણવાસીઓ માટેની આ કેટેગરીમાં વયમર્યાદાનું કોઇ બંધન નથી. સ્પર્ધાની આ કેટેગરીમાં પ્રથમ વિજેતાને
રૂ. ૩૦૦૦, દ્વિતીયને રૂ. ૨૦૦૦ અને તૃતિયને
રૂ. ૧૦૦૦નું પારિતોષિક અપાશે. સ્પર્ધાની ત્રણેય કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓ વચ્ચે કુલ
રૂ. ૧૨૦૦૦નો પુરસ્કાર વહેંચાશે. જે માટે આર્થિક સહયોગ સુરતના દેવુભાઇ વિઠ્ઠલભાઇ પટેલે આપ્યો છે.
સ્પર્ધકે તેમની કૃતિ ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં ચંદ્રકાન્તભાઇ મણિભાઇ પટેલ (ઇમેઇલઃ [email protected]) અથવા તો નરેન્દ્રભાઇ પટેલને (ઇમેઇલઃ [email protected])ને મોકલી આપવાની રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ લેખની સાથે એક અલગ કાગળ પર પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર અચૂક લખવા. વિજેતાઓના નામની જાહેરાત ડિસેમ્બર ૨૦૧૮માં કરાશે જ્યારે ઇનામ વિતરણ સમારોહ જાન્યુઆરી ૨૦૧૯માં યોજાશે.