વડોદરા: લોકડાઉન દરમિયાન સુખી ઘરના લોકોની પણ દયનીય હાલત જોવા મળી રહી છે. વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ૧૨મીએ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. સુરતથી પગપાળા અમદાવાદ જવા નીકળેલા સુખી ઘરના એક યુવકની કથની સાંભળીને દ્રવી ઉઠીએ. સુરતના વરાછા રોડ વિસ્તારના જ્વેલર્સને ત્યાં દાગીના બનાવવાનું કામ કરતા રમેશ સોની નામના ૩૦ વર્ષીય યુવકે જણાવ્યું હતું કે, તેના શેઠ હૈદ્રાબાદમાં ફસાઇ ગયા છે. તેમણે જેટલી મદદ થતી હતી તેટલી કરાવી હતી. હું દુકાનમાં જ રહેતો હતો. જેટલાં રાશન અને રૂપિયા હતા ત્યાં સુધી ચલાવ્યું હતું, પરંતુ હવે મારામાં અહીં વધુ દિવસો કાઢવાની હિંમત રહી નહોતી. જેથી જે કંઇ ખાવાનું હતું તે લઇને ચાલતો અમદાવાદ જવા નીકળી ગયો.
સુરતથી નીકળેલા યુવકે કહ્યું કે ત્રણ દિવસ હું સતત ચાલતો દિવસે ને રાત્રે. રસ્તામાં મારો ખોરાક પૂરો થઇ ગયો. પાણી પીને દિવસ વિતાવવાનો વારો આવ્યો. મારી પત્ની અમદાવાદ રહેતી હોવાથી તે મદદ કરી શકે તેમ નહોતી.
વડોદરા આવ્યો ત્યાં સુધીમાં મારા શૂઝ ફાટી ગયાં. પગમાં છાલા પડી ગયા. ૧૨મી મેએ સવારથી કંઇ જ ખાધું નહોતું. કોઇની પાસે હાથ લંબાવવા મન માનતું નહોતું, પરંતુ ત્રણ દિવસ સતત આ પરિસ્થિતિએ મને થકવી નાંખ્યો.
હરણી રોડ પર રહેતા પાન્ડુભાઇ યાદવ ઘર આંગણે ઉભા હતા ત્યારે તેમના ઘર સામેથી હું પસાર થતો હતો. કચવાતા મને મેં પાન્ડુભાઇને કહ્યું કે, હું ભિખારી નથી. સુખી ઘરનો છું, પણ હાલમાં મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. મારે રૂપિયા નથી જોઇતા. માત્ર બે રોટલી જોઇએ છે. યુવકે તેના પરિચિતોના નામ-નંબરો આપ્યા હતા, પરંતુ કોઇને જાણ નહીં કરવા વિનંતી કરી હતી. પાન્ડુભાઇએ આ યુવકને જમાડીને ગોલ્ડન ચોકડી મોકલ્યો હતો અને ત્યાંથી અમદાવાદ જવા માટે ભાડું પણ આપ્યું હતું.