વિશ્વપ્રસિદ્ધ અમૂલ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છેલ્લા વર્ષોમાં સમયની સાથે ચાલી રહ્યો છે. સતત નવા ઉત્પાદનો, નવા પ્લાન્ટ થકી આવનારી પરિસ્થિતિ સામે એડવાન્સ પગલાં લઈ રહ્યો છે. તાજેતરમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાના નિર્ણય બાદ વિષમ પરિસ્થિતિમાં પણ ખાતેદારોના હિતો સાધવા ત્વરિત પગલાં લીધાં હતાં અને ગ્રામ્ય કક્ષાએ સભાસદોના ૧૦૦ ટકા ખાતાં ખોલવાનો નિર્ણય કરાયો હતો. જેના ભાગરૂપે ૬
લાખ ૪૦ સભાસદો પૈકી ૫ લાખ ૬૮ હજાર સભાસદોનાં ખાતાં ખોલાવી રૂ. ૫૨ (બાવન) કરોડ આટીજીએસ મારફતે સભાસદોના ખાતામાં જમા કર્યા હતા.
• ઉદ્યોગપતિના ઘરેથી નવી નોટ સહિત રૂ. ૧૯ લાખ મળ્યાઃ આજવા રોડ સોનલ વાટિકા સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ સુરેશ ગોયલ સરદાર એસ્ટેટમાં સાયન્ટિફિક ગ્લાસની ફેક્ટરી ધરાવે છે. તેમનો ૨૫ વર્ષીય પુત્ર સાહિલ પણ તેમની સાથે ફેક્ટરી સંભાળે છે. ઉદ્યોગપતિના ઘરમાં દારૂ-બિઅરનો મોટો જથ્થો પડ્યો હોવાની બાતમી ક્રાઇમબ્રાન્ચને મળતાં ટીમે દરોડો પાડ્યો હતો. આ ઉપરાંત ઘરે સર્ચ કરતાં રૂ. ૧૩ લાખની કિંમતની રૂ. ૨૦૦૦ની નવી નોટ સહિત કુલ રૂ. ૧૯.૯૭ લાખ રોકડા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
• પંચમહાલ પોલીસ રાજ્યમાં પ્રથમ કેશલેશઃ દેશમાં નોટબંધીના અમલ પછી રાજ્યમાં પંચમહાલ જિલ્લાની પોલીસ રાજ્યની પ્રથમ કેશલેશ પોલીસ બની છે. નોટબંધીની અમલવારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની પોલીસ હવે કેશલેશ બની ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેશલેશ વ્યવહારના દેશવ્યાપી આદેશની શરૂઆત પંચમહાલ જિલ્લાની પોલીસ શરૂ કરી દીધી છે.
• તોફાનીઓએ ચેલેન્જમાં રોડ પર બોમ્બ ઝીંક્યોઃ ફતેપુરામાં પથ્થરમારો અને ડીસીપી લીના પાટિલની કાર પર બોંબ ઝીંકાયાની ઘટનાના ૨ દિવસ બાદ ૧૧મી ડિસેમ્બરે તોફાનીઓેએ ફરીવાર શહેરની શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિકથી ધમધમતા અડાણિયા પુલ ચાર રસ્તા પાસે સવારે હાથ બનાવટનો દેશી બોમ્બ ફેંકી તોફાનીઓએ પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. બોમ્બ બંધ દુકાનની બહાર પડતા તેમજ આસપાસમાં કોઇ હોવાથી કોઇને ઇજા થઇ હતી. પોલીસે એક્ઝપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો નોંધી બોંબ ફેંકનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.