વડોદરામાં તાજેતરમાં સ્વિચ ગ્લોબલ એકસ્પો-૨૦૧૬નું આયોજન કરાયું હતું. આ એક્સપોમાં કાર ડિઝાઇનિંગમાં નામાંકિત દિલીપ છાબરિયાને વડોદરાના ૧૦ વર્ષના વિદ્યાર્થી શુભ શાહે તેના સવાલોથી પ્રભાવિત કર્યા હતા. ખુશ થયેલા છાબરિયાએ શુભને રૂ. ૪૪ લાખની એ જ ગાડી ડીસી અવંતી ભેટમાં આપી દીધી જેના વિશે શુભે રસપ્રદ સવાલો પૂછ્યા હતા. શુભને જે કાર ભેટમાં મળી છે તે કાર ડીસી અવંતીને વર્ષ ૨૦૧૫માં જ લોન્ચ કરાઈ છે અને ચાલુ વર્ષે જ કંપની દ્વારા તેની ડિલિવરી થાય છે.
• વડોદરાની હોટલમાં રશિયન યુવાનનું ભેદી મોતઃ ફતેગંજ શેફરોન બિલ્ડિંગ પાસે આવેલી જીંજર હોટલમાં નવમીએ સવારે ૩૩ વર્ષીય રશિયન યુવાન એલેકઝાન્ડર કેટમોનોવનો ભેદી સંજોગોમાં અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતાં પોલીસે આ યુવાન વડોદરા કયા કારણસર આવ્યો હતો? તે અંગે તપાસ હાથ ધરી હતી. યુવાને વડોદરાની જીંજર હોટલમાં ૧૪મી સપ્ટેમ્બરથી એક મહિના માટે ૩૦૪ નંબરની રૂમ બુક કરાવી હતી.
• ધર્મજ શાળાની ૪૦ બાળાઓ ફૂડ પોઈઝનની સારવાર હેઠળઃ પેટલાદ તાલુકામાં આવેલા ધર્મજની સરકારી કન્યાશાળામાં અપાયેલો ખોરાક લીધા બાદ તાજેતરમાં શાળાની આશરે ૪૦ બાળાઓને ઝાડા ઉલટી થતાં પેટલાદ સિવિલ હોસ્પિટલ સહિત બોરસદ તથા કરમસદની હોસ્પિટલમાં બાળાઓને સારવાર અપાઈ રહી છે.