અમદાવાદ: શહેરની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીથી થયેલા બે મોતને એક સપ્તાહ વીતવા છતાં કડક પગલાને નામે આરોગ્ય વિભાગ, પોલીસ તંત્રે માત્ર વિવિધ સમિતિ બનાવીને જ સંતોષ માની લીધો હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.
ખ્યાતિ હોસ્પિટલમાં 11 નવેમ્બરના સાત દર્દીમાં ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને તેમાંથી બે દર્દીના મૃત્યુની ઘટના બની હતી. આ સાત દિવસમાં એકમાત્ર ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડ પોલીસ દ્વારા કરાઇ છે. આમ તો અન્ય રાજ્ય જ નહીં વિદેશમાંથી પણ ગુનેગારોને શોધવાનો દાવો કરતી ગુજરાત પોલીસ અન્ય કસૂરવાર હોસ્પિટલના સીઇઓ ચિરાગ રાજપૂત, હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, ડિરેક્ટર ડો. સંજય પટોલિયા, ડો. રાજશ્રી કોઠારીને હજુ સુધી શોધી શકી નથી.
સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લો ખ્યાતિ હોસ્પિટલના ટાર્ગેટ પર રહ્યા હતાં. આ જ વિસ્તારમાં મફત મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતાં હતાં. આ દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ નાંખીને પીએમજેવાયએ યોજના હેઠળ નાણાં મેળવી લેવાતા હતાં. ચોંકાવનારી વાત તો એછેકે, દર્દીઓને સ્ટેન્ટ નાંખનાર ડો. પ્રશાંત વજીરાણી તો માત્ર પ્યાદુ રહ્યું છે પણ અસલી વિલન તો હોસ્પિટલના સંચાલક છે. જે ડોક્ટરોને ટાર્ગેટ આપીને નિર્ધારિત સમયમાં હાર્ટ સર્જરી કરવા દબાણ કરતા હતાં. ગામડાંમાંથી હાર્ટના દર્દીઓ મળી રહે તે માટે ડો. વજીરાણી દર મંગળવારે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં વિઝીટીંગ ડોક્ટર તરીકે જતાં હતાં. આ ખાનગી હોસ્પિટલોમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે ડો.વજીરાણીને નક્કી કરેલી રકમ અપાતી હતી. બાકી પીએમજેવાયએ યોજના હેઠળ હાર્ટની સર્જરી માટે અપાતાં પેકેજનો મોટો હિસ્સો હોસ્પિટલના સંચાલકોના ખિસ્સામાં જતો હતો.