નવસારી: મલેશિયામાં ફસાઈ ગયેલા કેટલાક ગુજરાતીઓ પાછા વતન આવ્યા છે. નવસારીના કેટલાક યુવાનોને વલસાડના એજન્ટ કિરણ પટેલે નાણાં લઇને મલેશિયા મોકલ્યા હતા. ત્યાં કંપનીમાં કાળી મજૂરી કરાવતા હોવાથી યુવાનોએ કંપની બદલાવી હતી. જોકે આમ કરવાથી કાયદાનો ભંગ થતાં યુવાનોની ધરપકડ થઈ હતી. યુવાનોને ડિટેઈન્શન કેમ્પમાં રખાયા હતાં. ત્યાં તેમને ટોયલેટનું પાણી પીવાની ફરજ પડાતી હતી. આ અશુદ્ધ પાણીથી યુવાનોને શરીરે ચાંદા પડી ગયા હતા. યુવાનો દવા માંગવા જાય તો પોલીસકર્મીઓ તેમને ચાબુક અને લોખંડના પાઇપથી મારતા હતા. ઓફિસરની સામે ભૂલથી જોવાઇ જાય તો ગુપ્તાંગ પર લાત મારતા હતા.
ઇન્ડિયન એમ્બેસીની મદદ નહીં
ત્યાં ફસાયેલા લોકોના સ્વજનોએ જણાવ્યું કે, સરકારે ત્યાં ફસાયેલા ભારતીય લોકોને વહેલી તકે ભારત લાવવા જોઇએ. જોકે ઇન્ડિયન એમ્બેસીએ આ મામલે તેમની કોઈ મદદ ન કરી હોવાનું જાણવા મળ્યું છે. ફસાયેલા લોકોમાંથી ભારત આવેલા એક હિતેન રાઠોડ કહે છે કે ઘરના લોકોએ અમને નાણાંકીય મદદ મોકલ્યા બાદ ટિકિટ કરાવીને અમને પરત જવાની પરવાનગી આપીને મોકલી દેવાયા હતા.