મહંતબાપાએ હાથ પકડ્યો હોય પછી મારે શું ચિંતા? અક્ષરધામ રજતજયંતી સમારોહમાં નરેન્દ્ર મોદી

Friday 03rd November 2017 05:07 EDT
 
 

ગાંધીનગરઃ વિશ્વ શાંતિ અને આદ્યાત્મિક્તાના જીવંત પ્રતિક સમાન સુપ્રસિદ્ધ ગાંધીનગર સ્વામીનારાયણ અક્ષરધામ રજતજયંતી સમારોહને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારા પિતા સમાન પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે મારા વિકાસની ચિંતા કરી હતી અને હવે જ્યારે પૂજ્ય મહંત બાપાએ મારો હાથ પકડ્યો પછી મારે શું ચિંતા! વડા પ્રધાન મોદીએ આમ કહીને જ્યારે નિશ્ચિંત થઇ ગયાનો ભાવ સભા સમક્ષ પ્રગટ કર્યો ત્યારે ઉપસ્થિત હરિભક્તો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને સંતો સહિત સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગુરુવારે ‘સ્વામીનારાયણ અક્ષરધામ-ગાંધીનગર રજત જયંતી મહોત્સવ’નો વડા પ્રધાનના હસ્તે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સહુ કોઇ મહાનુભાવો સહજાનંદ સ્વામીની દિવ્ય ભવ્ય મૂર્તિના પૂજનઅર્ચન માટે મંદિરમાં જઇ રહ્યા હતા ત્યારે પૂજ્ય મહંત સ્વામી નરેન્દ્ર મોદીનો હાથ પકડીને તેમને સાથે લઇ ગયા હતા. તેમજ મંદિરમાંથી નીચે ઉતરતા પણ તેમણે સતત હાથ પકડી રાખ્યો હતો. સંતગણ ઉપરાંત ૨૫ હજારથી વધુ હરીભક્તોએ તાળીઓથી તેને વધાવી લીધા હતા. વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં વાતને વણી લઇને કહ્યું હતું કે, ‘પ્રમુખસ્વામી મહારાજે હંમેશા મારી એક દીકરા તરીકે ચિંતા કરી છે. હું રાજનીતિમાં આવ્યો પછી મારા ભાષણોની ટેપ મગાવી, પછી મને બોલાવીને સૂચના આપી કે રાજનેતા તરીકે આમ ન બોલાય! આજે પણ હું એમણે કરેલા સૂચનોનું પાલન કરી રહ્યો છું.’
આ પછી વડા પ્રધાને વાતનો દોર સાંધતા કહ્યું હતું કે ‘અહીં હું મહંતસ્વામી મહારાજનો હાથ પકડીને આવ્યો ત્યારે બધાએ તાળીઓ પાડી. ત્યારે મારે એક પ્રસંગ કહેવો છે. એક વાર વરસાદી માહોલમાં એક બાળકી પોતાના પિતાની સાથે બહાર નીકળી હતી ત્યારે રસ્તામાં પાણીનો પ્રવાહ જોઇ પિતાએ દીકરીને કહ્યું કે મારો હાથ પકડી લે. દીકરીએ કહ્યું કે ‘ના પપ્પા, તમે મારો હાથ પકડો.’ પિતાએ પૂછ્યું કે, ‘આવું કેમ?’ ત્યારે દીકરીએ કહ્યું કે, ‘તમારો હાથ પકડું અને પાણીનો પ્રવાહ વધુ હોય તો મારાથી ક્યાંક તમારો હાથ છૂટી જાય, પરંતુ તમે મારો હાથ પકડશો તો ક્યારેય છૂટશે નહીં!’ આ જ રીતે પૂજ્ય મહંત બાપાએ મારો હાથ પકડ્યો છે, પછી મારે શું ચિંતા?’ આમ કહી વડા પ્રધાને મહંતસ્વામી પ્રત્યે પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય ડોકટર સ્વામી, મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત જાણીતા ઉદ્યોગપતિઓ સહિત અનેક રાજકીય, સામાજિક સહિત અનેક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ૨૫ હજારથી વધુ ભક્તોને વડા પ્રધાને ‘સૌને જય સ્વામિનારાયણ’ કહી સંબોધન શરૂ કર્યું ત્યારે પરિસર તાળીઓથી ગુંજી ઊઠી હતી.
વડા પ્રધાને આ પ્રસંગે ઉપસ્થિત રહેવાની ઘટનાને પોતાનું અહોભાગ્ય ગણતા કહ્યું કે, પૂજ્ય પ્રમુખસ્વામી સાથે તેમનો નિકટનો ઘરોબો રહ્યો છે. રાજનીતિમાં મારા પ્રવેશ પછી પણ તેઓ સતત મારી એક દીકરાની જેમ ચિંતા કરતા હતા. વડા પ્રધાને પૂજ્ય પ્રમુખસ્વામી પ્રત્યેનો પોતાનો આદરભાવ વ્યક્ત કરતા કહ્યું કે, સમાન્ય રીતે જોવામાં આવ્યું છે કે ધર્મ-પરંપરાની ચર્ચામાં ચમત્કાર આવે, પરંતુ પૂજ્ય પ્રમુખસ્વામીમાં ચમત્કારનું નામોનિશાન નહીં, પૂર્ણ સહજતા અને સરળતા તેમનાં જીવનમાં અનુભવાય અને કોઈને પણ એવું ન લાગે હું દૂર છું. સામાજિક, આધ્યાત્મિક સંગઠનોનો ફેલાવો થાય તે અઘરું કામ નથી, પરંતુ પૂજ્ય પ્રમુખસ્વામીએ બીએપીએસ સંસ્થાના ફેલાવાને બદલે ઊંચાઈ તરફ ધ્યાન આપ્યું. સામાન્ય રીતે કોઈ વ્યક્તિનો પ્રયાસ હોય કે બીજા ઉપર છવાઈ જઈએ ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા છવાઈ જવાનો નહીં, પરંતુ પોતાના બધાને સમેટી લેવાનો, સાથે રાખવાનો પ્રયત્ન કરાયો છે. હું વડા પ્રધાન બન્યા પછી વિશ્વના અનેક મહાનુભાવોને મળ્યો છું, તેઓમાં ભાગ્યે જ કોઈ એવા હોય છે, જેમણે સ્વામિનારાયણ પરંપરા, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને પ્રમુખસ્વામી મહારાજને મળ્યાનો ઉલ્લેખ ન કર્યો હોય,’ તેમ તેમણે ઉમેર્યું હતું.

વડા પ્રધાને જણાવ્યું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે માત્ર ઈંટ-પથ્થર-ચૂનો ખડકવાનું કામ નથી કર્યું. તેમણે એક સામાજિક ચેતનારૂપે વિશ્વભરમાં ૧૨૦૦ મંદિરોનું નિર્માણ કર્યું છે. સ્વાયત્ત ભારતમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સમયાનુકૂળ પરિવર્તન પણ લાવ્યા. મંદિર પંરપરા, મંદિર વ્યવસ્થા, મેનેજમેન્ટ, માનવીય સ્પર્શ, પૂર્ણતા લાવ્યા. તેમણે મંદિરની કલ્પના જ બદલી નાખી, મંદિર એટલે ગંદુ હોય, ચંપલ ગમે ત્યાં પડ્યા રહે એવું નહીં. અક્ષરધામમાં ગમે ત્યાં ફરો ત્યાં જીવંતતા જોવા મળે. હાથી હોય તો સ્પર્શ કરી લેવાનું મન થાય. અમે આઈએએસ ઓફિસર્સનો એક ટ્રેનિંગ કાર્યક્રમ રાખ્યો હતો તે સમયે પૂ. બ્રહ્મવિહારી સ્વામી અને અક્ષરધામમાં કાર્યરત બીજા એક સ્વામીજીનું પ્રવચન રાખ્યું કે તમે બધા કાર્ય સમયસર પૂર્ણ કેવી રીતે કરો છો? પૂજ્ય પ્રમુખસ્વામી સમક્ષ મેં વિનંતી કરી હતી કે બે-ત્રણ યુનિવર્સિટીઓ અક્ષરધામની પરંપરાને ‘કેસ સ્ટડી’ તરીકે અભ્યાસ કરે.

વડા પ્રધાને પૂજ્ય પ્રમુખસ્વામીની દૂરંદર્શિતા અને તેની સાથોસાથ મોર્ડન ટેકનોલોજી અને મેનેજમેન્ટને અપનાવવાની સહજતાની ભારે પ્રસંશા કરી હતી. વડા પ્રધાને પ્રારંભમાં અહીં ‘અક્ષરધામ સનાતન થ્રી-ડી શો’ નિહાળ્યો હતો. તેના સંદર્ભમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, અહીં મોડર્ન મેનેજમેન્ટ, ટેકનોલોજીના અદ્‌ભુત ઉપયોગની સાથે દિવ્યતા-ભવ્યતાનો સમન્વય થયો છે. કોઇ મંદિરમાં થ્રીડી થિયેટર બનાવે તો કેટલી ચર્ચા થાય? પરંતુ દિલ્હી અક્ષરધામમાં થ્રી-ડી થિયેટર બન્યું છે. એ એવું બન્યું કે તે મંદિર પરિસરમાં પ્રવેશે ત્યારે ભક્ત ન હોય, પરંતુ અક્ષરધામ પરિસરમાંથી બહાર નીકળે તો ભક્ત બનીને જાય.’
આ પ્રસંગે પૂજ્ય ડોક્ટરસ્વામી અને પૂજ્ય ઈશ્વરચરણસ્વામીએ પ્રવચન આપ્યું હતું.

‘નર્મદા યોજના પૂર્ણ થયાનો સૌથી વધુ સંતોષ પૂજ્ય પ્રમુખસ્વામીને હતો’

વડા પ્રધાને જણાવ્યું કે, પૂ. પ્રમુખસ્વામી મહારાજે માનવ કલ્યાણના કાર્યોમાં ક્યારેય પાછી પાની નથી કરી. પછી તે ભૂકંપ સહિત કુદરતી કે માનવસર્જિત આપત્તિ હોય સેવાના કાર્યો - હંમેશા તેઓ તત્પર હોય. નર્મદા યોજના ઝડપથી પૂરી થાય તે માટેના સંઘર્ષોમાં સતત જોડાયેલા રહેલા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને આજે યોજના પરિપૂર્ણ થઇ છે તેનો સંતોષ તેઓ જ્યાં પણ હશે, ત્યાં સૌથી વધુ થયો હશે. જનસેવા માટે હંમેશા તત્પર રહેતા. ભૂકંપ હોય કે અન્ય કોઇ કુદરતી આપત્તિ હોય બીએપીએસ સંસ્થાને ફોન કરીએ એટલે ફુડપેકેટ કેટલા વાગે જોઇશે એમ પુછવામાં આવે! ૨૦૨૨માં ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે પૂજ્ય મહંત સ્વામીના ચરણોમાં વિનંતી કે વિશ્વમાં ફેલાયેલા બધા ભારત દેશ, સમાજની સેવા માટે સંકલ્પ કરીએ અને મા ભારતીના ચરણોમાં તેને સમર્પિત કરીએ.
મોદીએ વધુમાં જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજની વિશેષતા એ હતી કે ૨૧મી સદીની ટેકનોલોજી, મેનેજમેન્ટ, મેનેજરિયલ સ્કીલ છતાં સંતો માટે ૧૮મી સદીના નીતિ-નિયમનું પાલન. સંતોને ટ્રેનિંગ આપવાનું કાર્ય ખૂબ અઘરું છે ત્યારે સારંગપુરમાં સંતોની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter